એક સમયના અરવિંદ કેજરીવાલના સાથી અને કવિ કુમાર વિશ્વાસે કહ્યું...
ડૉ. કુમાર વિશ્વાસ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)નો પરાજય થયો છે ત્યારે અરવિંદ કેજરીવાલના જૂના સાથીઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. જાણીતા કવિ ડૉ. કુમાર વિશ્વાસે અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું હતું કે ‘મને અત્યારની આમ આદમી પાર્ટી સાથે કોઈ સહાનુભૂતિ નથી જેણે પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા માટે અણ્ણા હઝારે આંદોલનમાં રસ્તા ઉપર ઊતરી આવેલા લાખો-કરોડો કાર્યકર્તાઓનાં સપનાંને પગ નીચે કચડી નાખ્યું. દિલ્હી હવે આવા લોકોથી આઝાદ છે. આજે ન્યાય મળ્યો. મારા પર રામ અને કૃષ્ણની કૃપા થઈ કે હું આ સર્કસ (આમ આદમી પાર્ટી)માંથી બહાર આવી શક્યો. મનીષ સિસોદિયા હારી જવાના સમાચાર આવ્યા ત્યારે મારી પત્ની રડી પડી. મનીષ સિસોદિયાએ મારી પત્નીને કહ્યું હતું કે હજી અમારામાં તાકાત છે. જવાબમાં મારી પત્નીએ કહ્યું હતું કે ભાઈ તાકાત કાયમ નથી રહેતી. હું મનીષ સિસોદિયાને ગીતા મોકલીશ. મારા માટે વ્યક્તિગત રીતે આનંદ કે દુઃખનો કોઈ વિષય નથી, પણ એ વાતનો આનંદ છે કે ન્યાય મળ્યો. આશા કરું છું કે ભવિષ્યમાં આ લોકો અને બીજી રાજકીય પાર્ટી આ ચૂંટણીમાંથી બોધપાઠ લે અને સત્તા મળ્યા બાદ અહંકારી નહીં બને. ભારતીય જનતા પાર્ટી એની આગેવાનીમાં સરકાર બનાવીને દિલ્હીમાં ૧૦ વર્ષથી જે દુઃખ હતાં એ દૂર કરે. AAPના કાર્યકરોને કહીશ કે તમે કોઈ લોભ કે લાલચમાં એવી વ્યક્તિને સાથ આપ્યો જેણે મિત્રોની પીઠમાં છરો ભોંક્યો, પોતાના ગુરુનો વિશ્વાસઘાત કર્યો, જે મહિલા સાથે ખભો મિલાવીને કામ કર્યું એના ઘરમાં જઈને મારપીટ કરી. આવી વ્યક્તિથી હવે આશા રાખવાનું છોડો. હવે તમે બધા પોતપોતાનું જીવન જીવો.’

