દિલ્હી જેવા પ્રદૂષિત શહેરમાં કેવી રીતે જીવવું એનો રસ્તો બતાવ્યો એક દંપતીએ
લાઇફમસાલા
પીટર સિંહ અને નીનો કૌર
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હવામાં પ્રદૂષણની માત્રા એટલી બધી છે કે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૦ના આંકડાને પાર કરી ગયો છે. આવી હવાને ખતરનાક અને નબળી ક્વૉલિટીની ગણવામાં આવે છે જેને શ્વાસમાં લેવી અત્યંત ખરાબ અને સ્વાસ્થ્યને નુકસાનકર્તા છે. જોકે સાઉથ દિલ્હીના સૈનિક ફાર્મ વિસ્તારમાં રહેતા એક દંપતીના ઘરમાંની હવાનો AQI ૧૦થી ૧૫ જેટલો નીચો છે. પીટર સિંહ અને નીનો કૌરના ઘરમાં આટલા ઓછા AQIની હવા હોવા પાછળનું કારણ તેમણે અપનાવેલી જીવનશૈલી અને વાવેલાં ૧૫,૦૦૦થી વધારે ઝાડને આભારી છે.
આ દંપતીએ ઘરની ડિઝાઇન ઇકો-ફ્રેન્ડ્લી બનાવી છે. તેમણે ઘર બનાવવામાં પેઇન્ટ કે પ્લાસ્ટરનો ઉપયોગ કર્યો નથી. ઈંટોને સિમેન્ટને બદલે માટી અને ચૂનાથી જોડી છે અને પથ્થરોને ગોઠવીને છત તૈયાર કરી છે. આવી ડિઝાઇનને કારણે ઉનાળામાં દિલ્હીમાં ગરમી હોય એમ છતાં આ ઘરમાં ઠંડક લાગે છે. તેમણે ઘરની આસપાસ ૧૫,૦૦૦થી વધારે ઝાડ વાવ્યાં છે, જે ઍર ક્વૉલિટીને સુધારે છે.
ADVERTISEMENT
તેમના ઘરમાં ઇલેક્ટ્રિસિટીનું જોડાણ નથી. તેઓ પોતાની વીજળી પોતે જ સોલર પૅનલો દ્વારા તૈયાર કરે છે એટલે વીજળીનું બિલ આવવાની માથાકૂટ નથી. તેઓ પાણીનો પણ કાળજીપૂર્વક ઉપયોગ કરે છે. તેમણે વરસાદના પાણીને સંઘરી રાખવા માટે ૧૫,૦૦૦ લીટરની પાણીની ટાંકી બનાવી છે અને એનો ઉપયોગ સિંચાઈ અને ઘરઉપયોગી કામમાં થાય છે. તેઓ પાણીને રીસાઇકલ કરે છે અને પાણીનું એક પણ ટીપું બરબાદ થવા દેતા નથી.
તેઓ ખુદ ઑર્ગેનિક ફાર્મિંગ કરે છે અને બારેમાસ પોતાની શાકભાજી ઉગાડીને ખાય છે. પંજાબ અને હરિયાણામાં પરાળી બાળવાને કારણે પ્રદૂષણ થાય છે, પણ આ દંપતી પરાળી મગાવી એમાં છાણ ઉમેરીને દેશી ખાતર તૈયાર કરે છે અને એનો ઑર્ગેનિક ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરે છે. તેઓ ઘરમાં જ મશરૂમ ઉગાડે છે. તેમને બહારથી શાકભાજી પણ ખરીદવી પડતી નથી.
કેવા AQIની કેવી અસર?
૦-૫૦ સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસલેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.
શા માટે આવું ઘર બનાવવું પડ્યું?
આવું ઘર બનાવવાની મજબૂરી તેમના પર આવી પડી હતી, પણ પડકારને તેમણે તકમાં બદલીને આવું ઘર તૈયાર કર્યું હતું. થોડાં વર્ષ પહેલાં નીનો કૌરને બ્લડ-કૅન્સર થયું હતું અને એની સારવાર બાદ તેમનાં ફેફસાં એકદમ નબળાં પડી ગયાં હતાં. શહેરની ઝેરી અને પ્રદૂષિત હવામાં તેઓ જીવી શકે એમ નહોતાં. એક ડૉક્ટરે તેમને દિલ્હીથી દૂર જઈને રહેવા કહ્યું હતું, પણ એક આયુર્વેદિક ડૉક્ટરે તેમને ઑર્ગેનિક લાઇફસ્ટાઇલ અપનાવવા કહ્યું હતું. આ દંપતી ગોવા જઈને રહેવા લાગ્યું, પણ થોડા સમયમાં તેઓ દિલ્હી પાછાં આવ્યાં અને દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરમાં તેમણે આસાનીથી જીવી શકાય એવું ઘર તૈયાર કર્યું હતું.