EDનો દુરુપયોગ કરીને સત્તાધારી પાર્ટી પોતાના રાજકીય વિરોધીઓને ખતમ કરી રહી છે
સુનીતા કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમની ધરપકડને પડકાર આપતી અરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. કેજરીવાલ વતી એમાં કહેવામાં આવ્યું છે કે તપાસ-એજન્સીઓએ સુપ્રીમ કોર્ટના નિયમોની અનદેખી કરીને મારી ધરપકડ કરી હતી, માત્ર તપાસમાં સહયોગ ન કરવાનું બહાનું આપીને તપાસ-એજન્સી કોઈની પણ ધરપકડ કરે એવો કોઈ અધિકાર એની પાસે નથી.
આ અરજી પર ૨૯ એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેજરીવાલ વતી તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને કહ્યું હતું કે ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)નો એકમાત્ર ઇરાદો હતો કે કેજરીવાલ વિરુદ્ધ કેટલાંક નિવેદન લેવામાં આવે. EDને જેવાં આવાં નિવેદન ૨૧ માર્ચે મળ્યાં કે તરત જ તેમની ધરપકડ કરવામાં આવી. EDએ જેટલાં સમન્સ મોકલ્યાં હતાં એ તમામનો વિસ્તારથી જવાબ આપવામાં આવ્યો છે, પણ ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. જે દસ્તાવેજ કેજરીવાલની તરફેણમાં છે એને EDએ જાણીજોઈને કોર્ટમાં રજૂ નથી કર્યા.’
ADVERTISEMENT
જવાબમાં કહેવામાં આવ્યું છે કે ‘અરવિંદ કેજરીવાલની ધરપકડ એની રીતે એક એવું ઉદાહરણ છે કે કેન્દ્ર સરકાર કઈ રીતે ED જેવી તપાસ-એજન્સીનો દુરુપયોગ પોતાના રાજકીય વિરોધીઓને ખતમ કરવામાં કરી રહી છે. ચૂંટણીપ્રક્રિયા વચ્ચે આવી રીતે ધરપકડ આમ આદમી પાર્ટીને ભારે નુકસાન પહોંચાડશે અને સત્તારૂઢ પાર્ટીને ફાયદો કરાવશે.’
કેજરીવાલને સત્તાનો મોહ, વ્યક્તિગત હિત ઉપર રાખ્યાં : હાઈ કોર્ટની ફટકાર
દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી સરકાર અને દિલ્હી સુધરાઈને બે લાખથી વધુ સ્ટુડન્ટ્સને પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નહીં કરાવવાના મુદ્દે ફટકાર લગાવીને એક જનહિતની અરજીની સુનાવણી વખતે કહ્યું હતું કે ‘દિલ્હી સરકારની દિલચસ્પી માત્ર સત્તામાં જળવાઈ રહેવામાં છે. ધરપકડ થયા બાદ અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યું નથી. તેમણે રાષ્ટ્રીય હિતને બદલે વ્યક્તિગત હિતને પ્રાથમિકતા આપી છે.’
મારા પતિ મહિનાથી જેલમાં છે, તેમનો ગુનો શું?: સુનીતા કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં જોડાયાં હતાં. ગઈ કાલે ઈસ્ટ દિલ્હીમાં રોડ-શોમાં ભાગ લેતાં તેમણે લોકોને ભાવુક અપીલ કરતાં કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનને એક મહિનાથી જબરદસ્તીથી જેલમાં રાખવામાં આવ્યા છે. હજી સુધી કોઈ કોર્ટે તેમને દોષી ઠરાવ્યા નથી. તેઓ કહે છે કે તપાસ ચાલી રહી છે. તો શું તપાસ ૧૦ વર્ષ ચાલશે તો તેમને શું ૧૦ વર્ષ જેલમાં રાખવામાં આવશે? પહેલાં તો અદાલત કોઈને દોષી જાહેર કરે એ પછી તેને જેલમાં મોકલવામાં આવતા હતા, પણ હવે કહે છે કે જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. આ તાનાશાહી છે. અરવિંદ શુગરના દરદી છે અને તેમને ઇન્સ્યુલિન જોઈતું હોય છે, પણ જેલમાં ઇન્સ્યુલિન આપવાનો ઇનકાર કરવામાં આવે છે. શું તેઓ અરવિંદ કેજરીવાલને જેલમાં મારી નાખવા માગે છે?’