દિલ્હીમાં થયેલા અકસ્માત બાદ થયેલા પોસ્ટમૉર્ટમમાં બહાર આવી ચોંકાવનારી વિગતો, કુલ ૪૦ ઈજાઓ થઈ હતી
દિલ્હીના સુલતાનપુરીમાં શોકમગ્ન અંજલિના પરિવારજનો. ગઈ કાલે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તેમના ઘરે ગયા હતા.
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષે ૨૦ વર્ષની એક યુવતી સાથે થયેલા ભયાનક અકસ્માતની વિગતોએ દેશભરમાં હોબાળો મચાવ્યો છે. જેમ-જેમ એની તપાસ આગળ વધતી જાય છે એમ હચમચાવી જાય એવી વિગતો બહાર આવતી જાય છે. તાજેતરમાં બહાર આવેલા પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે બ્રેઇન મૅટર નથી. આખી ખોપરી ફાટી ગઈ છે. ફેફસાં પણ છાતીમાંથી બહાર આવી ગયાં હતાં. કરોડરજ્જુ પણ તૂટી ગઈ હતી. તેના શરીરમાં અંદાજે ૪૦ જેટલી ઈજાઓ થઈ હતી.
મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના ત્રણ ડૉક્ટરોએ પોસ્ટમૉર્ટમ કર્યું હતું, જેના જણાવ્યા પ્રમાણે માથામાં, કરોડરજ્જુ, ડાબી જાંઘમાં તેમ જ બન્ને પગમાં થયેલી ગંભીર ઈજાને કારણે ભારે રક્તસ્રાવ થયો હતો એને કારણે મોત નીપજ્યું છે. કારની નીચે ફસાયેલી અંજલિને એટલી હદે ઘસડવામાં આવી હતી કે તેનું બ્રેઇન મૅટર ગાયબ થઈ ગયું હતું. ખોપરી ખૂલી ગઈ હતી. અંજલિના સમગ્ર શરીરમાં માટી લાગી હતી અને એ ગંદું થઈ ગયું હતું. દિલ્હીના કંઝાવાલા વિસ્તારમાં તેનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો એથી તેની સાથે જાતીય દુષ્કર્મ આચરાયું હોવાની વાતો થઈ હતી, પરંતુ પ્રાથમિક રિપોર્ટ મુજબ જાતીય દુષ્કર્મ થયું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
ADVERTISEMENT
નશો કર્યો નહોતો
દિલ્હીમાં ગઈ કાલે કારની વિગતવાર ચકાસણી કરતી એફએસએલની ટીમ
અંજલિના ફૅમિલી ડૉક્ટરોએ તેની ફ્રેન્ડ નિધિના એવા દાવાને ફગાવી દીધો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે અંજલિએ દારૂ પીધો હતો. ડૉક્ટરે કહ્યું કે પોસ્ટમૉર્ટમ રિપોટમાં તેના પેટમાં કોઈ પણ જાતનો આલ્કોહૉલ મળ્યો નહોતો. સ્કૂટીમાં પાછળની સીટ પર બેસેલી નિધિએ કહ્યું કે અંજલિએ દારૂ પીધો હતો છતાં પોતે જ સ્કૂટી ચલાવવાની તેણે હઠ પકડી હતી. અંજલિના ફૅમિલી ડૉક્ટરે કહ્યું કે પેટમાં ખોરાક મળ્યો હતો, પરંતુ જો તેણે દારૂ પીધો હોત તો કેમિકલની હાજરી જરૂર મળત, પરંતુ એવું થયું નથી.