તે વિસ્ફોટ કરી શકાય એવાં ડ્રોન મૉડિફાય કરીને રૉકેટ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો
NIAએ આમિર રાશિદ અલીને ગઈ કાલે કોર્ટમાં રજૂ કર્યો હતો.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં જમ્મુ-કાશ્મીર અને ફરીદાબાદમાં લગભગ ૬૦૦ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એમાંથી આતંકવાદી ડૉ. ઉમરનો વધુ એક સાગરીત જસીર બિલાલ વાણી ઉર્ફે દાનિશની ધરપકડ ગઈ કાલે કરવામાં આવી હતી. જસીરે ઉમરને ટેક્નિકલ સપોર્ટ આપ્યો હતો.
તે વિસ્ફોટ કરી શકાય એવાં ડ્રોન મૉડિફાય કરીને રૉકેટ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. ગઈ કાલે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી આમિર રાશિદ અલીને રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ૧૦ દિવસની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કસ્ટડીમાં મોકલી દીધો છે. NIAએ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી દલીલો અને આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમિરને કડક સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સુનાવણી ઑન કૅમેરા થઈ હતી. મીડિયાને પણ જવાની પરવાનગી નહોતી. માત્ર આ કેસ સાથે સંકળાયેલા અધિકારીઓ અને વકીલ જ હાજર રહ્યા હતા. આરોપીને જિલ્લાના જજ અંજુ બજાજ ચાંદનાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આમિર રાશિદ અલીએ બ્લાસ્ટ પહેલાં ઉમરને સેફ જગ્યાએ રહેવાની જગ્યા ઉપલબ્ધ કરાવી હતી અને વિસ્ફોટકો બનાવવામાં પણ મદદ કરી હોવાનો તેના પર આરોપ છે.
ADVERTISEMENT
આમિર આતંકવાદી ડૉ. ઉમર નબીનો મિત્ર હતો અને કાશ્મીરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે મળીને આમિરે વિસ્ફોટનો પ્લાન રચ્યો હતો. NIAના જણાવ્યા અનુસાર આમિર રાશિદ અલી હ્યુન્દાઇ i20 કારનો માલિક છે. આ કારનો ઉપયોગ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો.
ડૉ. ઉમરનો મૃતદેહ લેવા કોઈ આવ્યું નહીં
લાલ કિલ્લા પાસે કારમાં ખુદને ઉડાડી દેનારા ફિદાયીન આતંકવાદી ડૉ. ઉમર નબીના શરીરના ટુકડા થઈ ગયા હતા અને એ હૉસ્પિટલના શબગૃહમાં રાખવામાં આવ્યા છે. તેના મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે પણ તેના મૃતદેહને લેવા કોઈ આવ્યું નથી. સુરક્ષા-એજન્સીઓ તેના પરિવાર સાથે સંપર્કમાં છે.
મૃત્યુ પામનારાઓની સંખ્યા ૧૫ થઈ
દિલ્હી બ્લાસ્ટમાં હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૫૦ વર્ષના લુકમાન અને ૫૦ વર્ષના વિનય પાઠક નામના બે દરદીઓનું ગઈ કાલે મૃત્યુ થયું હતું જેને પગલે આ હાદસામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૧૫ થઈ હતી.
કાશ્મીરી વિદ્યાર્થીઓ ભણવાનું છોડીને ઘરે પાછા આવી રહ્યા છે
દિલ્હીમાં થયેલા અટૅક પછી શરૂ થયેલી તપાસમાં દરેક કાશ્મીરી સ્ટુડન્ટ પ્રત્યે જે શંકાનું વલણ ઊભું થયું છે એનાથી જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. એ વિશે ગઈ કાલે ન્યુ દિલ્હીની પ્રેસ ક્લબ ઑફ ઇન્ડિયામાં જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ અસોસિએશનના નૅશનલ કન્વીનર નસીર ખુએહામીએ પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીની યુનિવર્સિટીઓમાંથી કાશ્મીરીઓ ભણવાનું છોડીને પાછા કાશ્મીર તરફ વળી રહ્યા છે. કાશ્મીરી યુવાનો ભારતની લોકશાહીમાં માને છે. શાંતિ અને રાષ્ટ્રીય એકતાનાં ભારતીય મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે. કાશ્મીરી વિદ્યાર્થીઓને પણ ભારતીયોનાં સન્માન અને હૂંફની જરૂર છે.’


