દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૦ ફ્લાઇટને જયપુરમાં, ત્રણને લખનઉ, બેને અમૃતસર, જ્યારે એક ફ્લાઇટને અમદાવાદમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ દિલ્હીના અનેક વિસ્તારોમાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે દિલ્હીના ઍરપોર્ટ ખાતે ફ્લાઇટ ઑપરેશનને અસર થઈ હતી. ઓછામાં ઓછી ૧૬ ફ્લાઇટ્સને દિલ્હીથી જયપુર, લખનઉ અને અમદાવાદમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧૦ ફ્લાઇટને જયપુરમાં, ત્રણને લખનઉ, બેને અમૃતસર, જ્યારે એક ફ્લાઇટને અમદાવાદમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. વિસ્તારાની ગુવાહાટીથી દિલ્હી માટેની ફ્લાઇટને ખરાબ હવામાનને કારણે જયપુરમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. કલકત્તાથી દિલ્હી માટેની વિસ્તારાની બીજી એક ફ્લાઇટને લખનઉમાં ડાઇવર્ટ કરવામાં આવી હતી. ઇન્ડિગોએ ટ્રાવેલ ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી હતી, જેમાં જણાવાયું હતું કે દિલ્હીમાં ભારે વરસાદને કારણે ફ્લાઇટ ઑપરેશનને અસર થઈ છે.
એમપીમાં વીજળી પડવાથી ચાર જણનાં મોત
મધ્ય પ્રદેશમાં વીજળી પડવાની અનેક ઘટનાઓમાં એક મૅરિડ કપલ સહિત ચાર જણ મૃત્યુ પામ્યા હતા અને એક છોકરાને ગંભીર ઈજા થઈ છે. આ રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
રાજસ્થાનમાં પણ વરસાદ
રાજસ્થાનના અનેક ભાગમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. બારમેરના સિંદેરી એરિયામાં સૌથી વધુ છ સેન્ટિમીટર વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં વીજળી પડવાથી ૨૭ જણનાં મોત
ગુજરાતમાં વીજળી પડવાની અનેક ઘટનાઓમાં ઓછામાં ઓછા ૨૭ જણનાં મોત થયાં છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેનાથી કૃષિ પાકોને નુકસાન પહોંચ્યું છે.