આ બે આરોપીઓએ પુરાવાની સાથે છેડછાડની કોશિશ કરી હતી અને ખોટી માહિતી આપી હતી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે )
નવી દિલ્હી : દિલ્હીમાં અંજલિ કુમાર નામની ૨૦ વર્ષની યુવતીનાં મૃત્યુ માટે માત્ર પાંચ જણ દોષી નથી, બલકે દિલ્હી પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ કેસમાં વધુ બે પુરુષની સંડોવણી છે. અંજલિને શનિવારે રાત્રે કારની નીચે ૧૨ કિલોમીટર સુધી ઘસડવામાં આવી હતી.
પ્રેસ-કૉન્ફરન્સમાં સ્પેશ્યલ કમિશનર (લૉ એન્ડ ઑર્ડર) સાગર પ્રીત હૂડાએ કહ્યું હતું કે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં વધુ બે પુરુષ-આશુતોષ અને અંકુશની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં તપાસ માટે ૧૮ ટીમ કામ કરી રહી છે અને તમામ ઍન્ગલ્સથી તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
આશુતોષ કારનો માલિક છે, જ્યારે અંકુશ એક આરોપીનો ભાઈ છે. હૂડાએ કહ્યું હતું કે ‘અમારી ટીમ દરોડા પાડી રહી છે. અમે સાક્ષીઓનાં સ્ટેટમેન્ટને રેકૉર્ડ કર્યાં છે. અમે તેમની ધરપકડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’
પોલીસે અંજલિનાં મૃત્યુના કેસમાં અમિત ખન્ના, દીપક ખન્ના, મિથુન, ક્રિશ્ન અને મનોજ મિત્તલની ધરપકડ કરી છે. હૂડાએ વધુ કહ્યું હતું કે ‘પૂછપરછમાં એમ પણ જાણવા મળ્યું છે કે અકસ્માતના સમયે કાર દીપક નહીં, પરંતુ અમિત ચલાવતો હતો. અમે આશુતોષ અને અંકુશની શોધ કરી રહ્યા છીએ. તેમણે બન્નેએ પાંચેય આરોપીઓને બચાવવાની કોશિશ કરી હતી. તેમણે પુરાવાની સાથે છેડછાડની કોશિશ કરી હતી અને ખોટી માહિતી આપી હતી.’