ઇલેક્ટ્રિક સ્કૂટરના રિપેરિંગનું ૯૦,૦૦૦ રૂપિયાનું બિલ આવ્યું તો હથોડાથી શોરૂમની સામે જ ટૂ-વ્હીલરને તોડી નાખ્યું
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને શોરૂમની સામે જ તોડી નાખતા એક માણસનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને શોરૂમની સામે જ તોડી નાખતા એક માણસનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં એક માણસ શોરૂમની સામેના રોડ પર ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરને હથોડો ઠોકી રહેલો દેખાય છે. મળતી માહિતી મુજબ આ માણસે એક મહિના પહેલાં આ સ્કૂટર ખરીદ્યું હતું અને શરૂઆતથી જ એમાં સમસ્યાઓ પેદા થઈ હતી. વિડિયોમાં તે આરોપ લગાવી રહ્યો છે કે કંપનીએ રિપેરિંગ માટે ૯૦,૦૦૦ રૂપિયાનું બિલ આપ્યું છે. વિડિયોની કૅપ્શનમાં લખવામાં આવ્યું છે કે કંપનીના શોરૂમે આ માણસને ૯૦,૦૦૦ રૂપિયાનું બિલ આપ્યું હતું અને તે ગુસ્સે થતાં તેણે શોરૂમની સામે જ સ્કૂટરને તોડી નાખ્યું હતું.
વિડિયોમાં દેખાય છે કે વાઇટ ટી-શર્ટ પહેરેલો માણસ સ્કૂટર તોડી રહ્યો છે અને સેંકડો લોકો શોરૂમની સામે જમા થયા છે.
ADVERTISEMENT
કસ્ટમરો પરેશાન
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદનારા કસ્ટમરો સ્કૂટરના સૉફ્ટવેર અને હાર્ડવેરમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)એ ઓલા ઇલેક્ટ્રિક કંપની સામે કસ્ટમરોની ફરિયાદો ઉકેલવાની પ્રોસેસ વિશે વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે.
કંપનીનો દાવો
ગયા મહિને કંપનીએ દાવો કર્યો હતો કે અમારી નૅશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH)માં મળેલી ૧૦,૬૪૪ ફરિયાદોમાંથી ૯૯.૧ ટકા ફરિયાદોનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે.
ગ્રાહકોની અસંખ્ય ફરિયાદો
ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે તેમણે ખરીદેલા ઓલા સ્કૂટરમાં વારંવાર બૅટરીની અને સ્કૂટર હૅન્ગ થવા જેવી સમસ્યાઓ પેદા થઈ રહી છે. વળી કંપનીનાં સર્વિસ સેન્ટરોની સંખ્યા ઓછી હોવાથી ફરિયાદના નિરાકરણ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. સ્કૂટરના પાર્ટ્સ પણ ઘણા મોંઘા છે.
શૅરના ભાવ ઘટી ગયા
ઓલા ઇલેક્ટ્રિક કંપનીના શૅરના ભાવ પણ ઘટી રહ્યા છે. શુક્રવારે પ્રતિ શૅરનો બંધ ભાવ ૬૯.૧૯ રૂપિયા રહ્યો હતો, જે એના ઑલટાઇમ ઊંચા ૧૫૭.૪૦ રૂપિયાના ભાવથી ૫૬ ટકા એટલે કે ૮૮.૨૧ રૂપિયા ઘટી ગયો છે. શૅરની કિંમતમાં ઘટાડો થતાં કંપનીનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૩૮,૦૦૦ કરોડ રૂપિયા જેટલું ઘટી ગયું છે. એક સમયે આ આંકડો ૬૯,૦૦૦ કરોડ રૂપિયા હતો જે હવે ૩૧,૦૦૦ કરોડ રૂપિયા રહ્યો છે. ગ્રાહકોની વારંવારની ફરિયાદો, નબળી ક્વૉલિટીની પ્રોડક્ટ્સ અને નબળી સર્વિસને કારણે શૅરના ભાવ ઘટી રહ્યા છે.