સુરતમાં અદાલતે કૉન્ગ્રેસના નેતાને ‘મોદી સરનેમ’ના અપરાધિક બદનક્ષીના કેસમાં બે વર્ષ જેલની સજા કરી, જોકે તેઓ ઉપલી અદાલતમાં અરજી કરી શકે એ માટે ૩૦ દિવસ સુધી તેમની સજા સ્થગિત કરી, પરંતુ તેઓ ડિસક્વૉલિફાય થાય એ જોખમ રહેલું છે
સુરતમાં ગઈ કાલે અપરાધિક બદનક્ષીના કેસમાં સુનાવણી માટે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી.
સુરત (પી.ટી.આઇ.) ઃ ગુજરાતમાં સુરતની અદાલતે ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ૨૦૧૯ના અપરાધિક બદનક્ષીના કેસમાં બે વર્ષ જેલની સજા કરી હતી. આ મામલો ‘મોદી સરનેમ’ બાબતે કૉન્ગ્રેસના આ નેતાની વિવાદાસ્પદ કમેન્ટને લઈને છે. અદાલતે આ ચુકાદો આપ્યો હતો ત્યારે રાહુલ અદાલતમાં હાજર હતા.
રાહુલના વકીલ બાબુ માંગુકિયાએ કહ્યું હતું કે ‘ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ એચ. એચ. વર્માની અદાલતે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ રાહુલને દોષી ગણાવ્યા હતા. જોકે તેમને જામીન પણ આપ્યા હતા અને તેઓ ઉપલી અદાલતમાં અરજી કરી શકે એ માટે ૩૦ દિવસ સુધી તેમની સજા સ્થગિત કરી હતી.’
બીજેપીના વિધાનસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા આ કેસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ જજમેન્ટ વિશે સુરત-પશ્ચિમના બીજેપીના વિધાનસભ્ય પૂર્ણેશે કહ્યું હતું કે તેઓ અદાલતના ચુકાદાને આવકારે છે. કૉન્ગ્રેસે કહ્યું હતું કે રાહુલ સુરતની અદાલતના આદેશની વિરુદ્ધ ઉપલી અદાલતમાં અરજી કરશે. રાહુલ ગાંધી આ પહેલાં તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવવા માટે ઑક્ટોબર ૨૦૨૧માં સુરતની અદાલતમાં હાજર થયા હતા. આ સમગ્ર મામલો એક અપરાધિક કેસની સાથે રાજકીય પણ બની શકે છે. જન પ્રતિનિધિ કાયદા અનુસાર કોઈ વ્યક્તિને બે વર્ષ કે એનાથી વધુ સમય માટે કેદની સજા કરવામાં આવે તો એ સજા થવાના દિવસથી ડિસક્વૉલિફાય થઈ શકે છે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો થયા બાદ પણ તેઓ બીજાં છ વર્ષ સુધી ડિસક્વૉલિફાય રહે છે. બંધારણના નિષ્ણાત સુભાષ કશ્યપ કહે છે કે ‘રાહુલ ગાંધીને બે વર્ષની સજા જરૂર થઈ છે, પરંતુ સજા અત્યારે સ્થગિત કરવામાં આવી છે એટલે અત્યારે તેમને ડિસક્વૉલિફાય થવાનો ખતરો નથી. રાહુલે આગામી ૩૦ દિવસમાં ઉપલી અદાલતમાં તેમને કરવામાં આવેલી સજાને પડકારવાની રહેશે. જો ત્યાં પણ નીચલી અદાલતના ચુકાદાને યથાવત્ રાખવામાં આવશે તો રાહુલ ડિસક્વૉલિફાય થઈ શકે છે.’ એવી સ્થિતિમાં લોકસભાનું સચિવાલય રાહુલને ડિસક્વૉલિફાય કરીને તેમની વાયનાડની બેઠક ખાલી જાહેર કરી શકે છે.
ફરિયાદ પક્ષ તરફથી શું રજૂઆત થઈ?
ADVERTISEMENT
ફરિયાદ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે રાહુલ ગાંધી સંસદસભ્ય છે. જે લોકો કાયદા ઘડે છે, તેઓ જ એને તોડે તો સમાજમાં કેવો મેસેજ જશે એટલા માટે તેમને મૅક્સિમમ સજા આપવામાં આવે.
સુરતમાં ગઈ કાલે રાહુલ ગાંધી વિરુદ્ધના અપરાધિક બદનક્ષીના કેસમાં સુનાવણી દરમ્યાન સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલો સાથે બીજેપીના નેતા પૂર્ણેશ મોદી.
બચાવ પક્ષે શું કહ્યું?
અદાલતમાં જજે રાહુલને દોષી ગણાવતાં પૂછ્યું હતું કે શું તેઓ કંઈ કહેવા ઇચ્છે છે તો રાહુલે કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચારની વિરુદ્ધ બોલતા રહે છે, પરંતુ ઇરાદાપૂર્વક કંઈ કહ્યું નથી. તેઓ એક રાજનેતા છે અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ બોલવાનું તેમનું કામ છે. રાહુલના વકીલે એમ પણ જણાવ્યું હતું કે તેઓ માફી કે દયા માગતા નથી. કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાના ઇરાદાથી સ્ટેટમેન્ટ આપવામાં નહોતું આવ્યું અને ફરિયાદીને કોઈ નુકસાન થયું નથી એટલા માટે ઓછામાં ઓછી સજા આપવામાં આવે.
રાહુલે શું કહ્યું?
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલાં કર્ણાટકના કોલારમાં એક રૅલીને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ચોરોની સરનેમ મોદી છે. તમામ ચોરોની સરનેમ મોદી શા માટે હોય છે, પછી એ લલિત મોદી હોય કે નીરવ મોદી હોય કે નરેન્દ્ર મોદી. હજી તમે શોધશો તો બીજા ઘણા મોદી મળશે.’
મલ્લિકાર્જુન ખડગે કૉન્ગ્રેસના અધ્યક્ષ
કાયર, સરમુખત્યાર બીજેપી સરકાર રાહુલ ગાંધી અને વિપક્ષથી હચમચી ગઈ છે, કેમ કે અમે તેમનાં કાળાં કારનામાંનો પર્દાફાશ કરી રહ્યા છીએ. અદાણી ગ્રૂપના મામલે સંયુક્ત સંસદીય સમિતિની માગણી કરી રહ્યા છીએ. ઈડી, પોલીસ મોકલે છે. રાજકીય ભાષણો પર કેસ કરવામાં આવે છે. અમે ઉપલી અદાલતમાં અપીલ કરીશું. કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર રાજકીય નાદારીનો ભોગ બની છે.
રવિશંકર પ્રસાદ બીજેપીના પ્રવક્તા
કૉન્ગ્રેસ ઇચ્છે છે કે રાહુલ ગાંધીને લોકોને અપશબ્દો કહેવાની સ્વતંત્રતા મળે? દેશમાં કાયદાનું શાસન છે અને એ જળવાયેલું રહેશે. મોદી સરનેમ ધરાવતા તમામ લોકોને ચોર કહેવા એ સ્પષ્ટ રીતે અપમાનજનક છે. રાહુલનો દાવો છે કે તેઓ સત્ય અને અહિંસામાં માને છે, પરંતુ શું એનો અર્થ લોકોનું અપમાન કરવાનો છે, જાતિના આધારે લોકોને અપશબ્દો કહેવાનો છે? સ્થિતિ એવી થઈ ગઈ છે કે રાહુલે વારંવાર જામીન મેળવવા પડે છે.