રાજ્યમાં દરરોજ રાતે બેથી સવારે છ વાગ્યા સુધી હૉસ્પિટલોમાં અંધાધૂંધી હોય છે
પ્રતીકાત્મક તસવીર
ગોવા મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ઑક્સિજનની તંગીને કારણે ગઈ કાલે ૧૩ દરદી મૃત્યુ પામ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં ઑક્સિજનની અછતને લીધે કોરોનાના દરદીઓનાં મૃત્યુની સંખ્યા ૭૫ પર પહોંચી છે. ખાસ કરીને રાતે બે વાગ્યાથી સવારે છ વાગ્યા વચ્ચે ઑક્સિજનની અછતને કારણે અંધાધૂંધીને કારણે દરદીઓની હાલત કફોડી થાય છે. ૭૫ જણનાં મોત ચાર દિવસ રાતે બે વાગ્યાથી છ વાગ્યાના ગાળામાં ઊભી થતી મુશ્કેલીને કારણે થયાં હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ગોવા મેડિકલ કૉલેજ સહિતની હૉસ્પિટલોમાં એ પ્રકારની અંધાધૂંધીના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ વિડિયોમાં ફરસ પર પથારીમાં પડેલા દરદીઓની પાછળ ઑક્સિજન મૉનિટર્સના બિપ-બિપ અવાજ, દરદીઓનાં સગાંની વાતચીતના અવાજ અને અને ફૂડ-પૅકેટ્સ તથા અન્ય વપરાયેલી વસ્તુઓનાં રૅપર્સ જેવા કચરાના ઢગલા જોવા મળે છે. કોઈ વિડિયોમાં મૃતકોનાં સગાં ઑક્સિજનની તંગીની ફરિયાદો કરતા જોવા મળે છે.

