આ પહેલાં પૂર્વ એશિયામાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થાય એના લગભગ ૩૦થી ૩૫ દિવસ બાદ ભારતમાં કોરોનાની નવી લહેર આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે
દેહરાદૂનમાં ગઈ કાલે એક ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં કોરોનાની ટેસ્ટ માટે એક મહિલાનો સ્વૉબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલી એક હેલ્થ વર્કર. તસવીર: પી.ટી.આઇ.
દિલ્હી (પી.ટી.આઇ.) : ભારત માટે આગામી ૪૦ દિવસ ખૂબ જ મહત્ત્વના રહેશે. આ પહેલાંની કોરોનાની જુદી-જુદી લહેરની પૅટર્નનો ઉલ્લેખ કરીને સત્તાવાર સૂત્રોએ ગઈ કાલે જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ પહેલાં પૂર્વ એશિયામાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થાય એના લગભગ ૩૦થી ૩૫ દિવસ બાદ ભારતમાં કોરોનાની નવી લહેર આવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.’
ADVERTISEMENT
જોકે આરોગ્ય મંત્રાલયનાં આ સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ફેક્શનની તીવ્રતા ઓછી જ રહેશે. લહેર આવશે તો પણ કોરોનાને કારણે મૃત્યુ અને હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે.
ચીન અને સાઉથ કોરિયા સહિત અનેક દેશોમાં કોરોનાના કેસમાં વધારાને કારણે સરકાર અલર્ટ છે અને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને ઇમર્જન્સીની સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે.