દિલ્હી વટહુકમના મુદ્દે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.
દિલ્હી વટહુકમના મામલે બંધારણીય બેન્ચ કરશે સુનાવણી, સુપ્રીમ કોર્ટે આપ્યા સંકેત
નવી દિલ્હી ઃ દિલ્હી વટહુકમના મુદ્દે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. હવે આ મામલાની સુનાવણી કરતાં દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે તેઓ આ મામલાને પાંચ જજોની બંધારણીય બેન્ચ પાસે મોકલી શકે છે. ચીફ જસ્ટિસે કહ્યું કે બંધારણીય બેન્ચ આવા સુધારા કરવા પર વિચાર કરશે.
સુનાવણી દરમ્યાન બેન્ચે કહ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલ અને મુખ્ય પ્રધાને સાથે બેસીને દિલ્હી વીજળી નિયમન પંચના અધ્યક્ષના નામ પર નિર્ણય લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બન્ને બંધારણીય અમલકર્તા છે અને તેઓએ મતભેદથી ઉપર વિચારવું જોઈએ. કોર્ટે કહ્યું કે બન્નેએ સાથે બેસીને ડીઈઆરસી ચૅરમૅનનું નામ નક્કી કરીને કોર્ટને આપવું જોઈએ.
દિલ્હી સરકારે કેન્દ્રના વટહુકમ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે આ વિશે સુનાવણી કરી હતી. હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટ ફરી આ અરજી પર સુનાવણી કરશે. દિલ્હી સરકારે ઉપરાજ્યપાલ દ્વારા ડીઈઆરસીના અધ્યક્ષપદ પર કરવામાં આવેલી નિમણૂકને પણ પડકારી છે.