મારી યાત્રા દરમ્યાન લોકોએ મને સવાલો કર્યા હતા કે અદાણીએ કેવી રીતે આટલાં બધાં સેક્ટર્સમાં સક્સેસ મેળવી છે
નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદના બજેટ સત્ર દરમ્યાન લોકસભામાં પોતાની વાત રજૂ કરતા કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગઈ કાલે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અબજોપતિ ગૌતમ અદાણી પર આકરા પ્રહાર કર્યા હતા. અમેરિકન ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રુપની વિરુદ્ધ મૂકવામાં આવેલા ફ્રૉડના આરોપો બાદ આ મુદ્દો સતત સંસદમાં ગાજી રહ્યો છે.
રાહુલે પીએમ મોદી પર અદાણીનાં અનેક સેક્ટર્સમાં ફેલાયેલા બિઝનેસ સામ્રાજ્યને ફેલાવવામાં મદદ કરવાનો આરોપ મૂક્યો હતો. શાસક બીજેપીએ આ વાત ફગાવી દીધી હતી. બીજેપીના નેતાઓએ રાહુલના આરોપને પાયાવિહોણો ગણાવ્યો હતો.
ADVERTISEMENT
રાહુલે લોકસભામાં કહ્યું હતું કે ‘સોલર એનર્જી હોય કે વિન્ડ એનર્જી, અદાણી જે કોઈ પણ બિઝનેસમાં ઝંપલાવે એમાં તેઓ ક્યારેય નિષ્ફળ જતા નથી. મારી યાત્રા દરમ્યાન લોકોએ મને સવાલો કર્યા હતા કે અદાણીએ કેવી રીતે આટલાં બધાં સેક્ટર્સમાં સક્સેસ મેળવી છે. લોકોએ પીએમ સાથેના તેમના સંબંધો વિશે પણ સવાલ કર્યા છે. લોકોએ મને સવાલ પૂછ્યો છે કે કેવી રીતે અદાણીની નેટવર્થ ૨૦૧૪થી ૨૦૨૨ દરમ્યાન આઠ અબજ ડૉલર (૬૬૧.૯૪ અબજ રૂપિયા)થી વધીને ૧૪૦ અબજ ડૉલર (૧૧,૫૮૩ અબજ રૂપિયા) થઈ છે.’
આ પણ વાંચો : અદાણી મામલે સંસદમાં ભારે હંગામો
કૉન્ગ્રેસના આ નેતાએ જણાવ્યું હતું કે આ બિઝનેસમૅન ૨૦૧૪માં બીજેપી સત્તા પર આવી ત્યારે અબજોપતિઓના લિસ્ટમાં ૬૦૦મા સ્થાને હતા ત્યાંથી તેઓ બીજા સ્થાને પહોંચ્યા હતા. અદાણી ગ્રુપને છ ઍરપોર્ટ્સના કૉન્ટ્રૅક્ટ મળે એ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.
રાહુલને જવાબ આપતાં કાયદાપ્રધાન કિરણ રિજિજુએ કહ્યું હતું કે ‘કોઈ જાતના આધાર વિનાના આરોપો ન મૂકો, પુરાવા આપો. તમે હવે સિનિયર સંસદસભ્ય છો. તમારે જવાબદારીથી વાત કરવી જોઈએ. તમે સંસદમાં ગંભીર રહો એવી અમને અપેક્ષા છે. તમે સંસદની બહાર ઇચ્છો એ બોલી શકો છો.’
બીજેપીના સંસદસભ્યોએ ચિલ્લાઈને જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ સત્તા પર હતી ત્યારે ખાનગીકરણની શરૂઆત થઈ હતી અને જીવીકે જેવી નવી કંપનીઓને ઍરપોર્ટ્સ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા હતા.