પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાના નિર્ણયના વિરોધમાં આયોજિત કૉન્ગ્રેસના સંકલ્પ સત્યાગ્રહમાં આ સવાલ પૂછ્યો હતો : તેમણે રાહુલ ગાંધીની ભગવાન શ્રીરામ અને પાંડવો સાથે સરખામણી કરી હતી
રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાની વિરુદ્ધ ગઈ કાલે નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે કૉન્ગ્રેસના ‘સત્યાગ્રહ’ દરમ્યાન સંબોધી રહેલાં પ્રિયંકા ગાંધી.
કૉન્ગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે તેમના ભાઈ રાહુલનો બચાવ અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાની વિરુદ્ધ કૉન્ગ્રેસના દેશવ્યાપી વિરોધપ્રદર્શન દરમ્યાન પ્રિયંકાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય એકતા માટે હજારો કિલોમીટર પદયાત્રા કરનારા શહીદ વડા પ્રધાનનો પુત્ર ક્યારેય દેશનું અપમાન ન કરી શકે.
૨૦૧૯ના બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ગણાવવામાં આવ્યા બાદ તેમનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું એની વિરુદ્ધ નવી દિલ્હીમાં ‘સંકલ્પ સત્યાગ્રહ’ને સંબોધતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘ઘમંડી સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. રાહુલ ગાંધીને ચૂંટણી લડતા અટકાવવા એ દેશ અને એની લોકશાહી માટે યોગ્ય નથી.’
ADVERTISEMENT
રાહુલની ભગવાન શ્રીરામ અને પાંડવોની સાથે સરખામણી કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘તેઓ (બીજેપી) અમને પરિવારવાદી કહે છે તો ભગવાન શ્રીરામ કોણ હતા? ભગવાન શ્રીરામને વનવાસમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે પોતાના પરિવાર અને માતૃભૂમિ પ્રત્યે પોતાના ધર્મનું પાલન કર્યું. શું ભગવાન શ્રીરામ પરિવારવાદી હતા? શું પાંડવો પરિવારવાદી હતા કે જેઓ પોતાના પરિવારના સંસ્કારો માટે લડ્યા હતા? શું અમને શરમ આવવી જોઈએ કે અમારા પરિવારના લોકો આ દેશના લોકો માટે શહીદ થયા હતા?’
તેમણે વધુ જણાવ્યું હતું કે ‘જે લોકો વિચારતા હોય કે તમામ તપાસ એજન્સીઓને કામે લગાડીને, અમારે ત્યાં દરોડા પાડીને અમને ડરાવી શકશે તો તેઓ ખોટું વિચારે છે. અમે ડરવાનાં નથી. અમે વધારે મજબૂતીથી લડીશું. અમે દેશની લોકશાહી માટે કંઈ પણ કરવા તૈયાર છીએ. આ દેશની લોકશાહીનો પાયો આ કૉન્ગ્રેસ પાર્ટીના મહાન લોકોએ નાંખ્યો છે.’
આ પણ વાંચો: રાહુલ ગાંધી અયોગ્યતા મામલે, આજે દેશમાં દિવસ દરમિયાન કૉંગ્રેસનો `સત્યાગ્રહ`
વડા પ્રધાન પર સીધો શાબ્દિક પ્રહાર કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘તમે એક શહીદના દીકરાને દેશવિરોધી અને મીર ઝાફર કહ્યા છે. સંસદમાં તેમની માતાનું અપમાન કર્યું છે. સંસદમાં વડા પ્રધાન પૂછે છે કે આ પરિવાર ‘નેહરુ’ સરનેમનો ઉપયોગ શા માટે કરતો નથી. તમે સમગ્ર પરિવાર અને કાશ્મીરી પંડિતોની પરંપરાનું અપમાન કર્યું છે. તમારી વિરુદ્ધ કોઈ કેસ નથી. કોઈએ તમને ડિસક્વૉલિફાય કર્યા નથી. શા માટે?’
પ્રિયંકાએ પણ અદાણીના મુદ્દે સરકારને સવાલો કર્યા
સામાન્ય લોકોને સવાલ કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘લોકો જોતા નથી કે આ દેશમાં શું થઈ રહ્યું છે. લોકોને દેખાતું નથી કે તમારી તમામ સંપત્તિની લૂંટ મચાવવામાં આવી રહી છે. એક વ્યક્તિને આપવામાં આવી રહી છે. ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓને બધું આપવામાં આવે છે. જાહેર ક્ષેત્રના એકમો લોકો માટે બનાવવામાં આવ્યા છે, જે ખાનગી કંપનીઓને આપવામાં આવી રહ્યા છે.
અદાણી જેવી મોટી કંપનીઓ તમારી રોજગારી છીનવે છે. રાહુલ ગાંધીએ કયો મોટો અપરાધ કર્યો હતો. તેમણે તો તમને માત્ર બે સવાલ પૂછ્યા હતા. જવાબ ન આપી શક્યા. ગભરાઈ ગયા.’ કેન્દ્ર સરકારની વધુ ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ‘સરમુખત્યારો જવાબ ન આપી શકે તો સમગ્ર સત્તાનો ઉપયોગ કરીને જનતાને દબાવવાની કોશિશ કરે છે. જે સવાલ ઉઠાવે છે તેમને દબાવવાની કોશિશ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સમગ્ર સરકાર, તમામ પ્રધાનો એક વ્યક્તિને બચાવવાની શા માટે કોશિશ કરી રહ્યા છે? આ અદાણીમાં એવું તે શું છે કે જેમને તમે દેશની તમામ સંપત્તિ આપી રહ્યા છો. અદાણીનું નામ લેતાં જ તમે ખળભળી ઊઠો છો અને તેમને બચાવવા માટે પ્રયાસ કરવા લાગો છો.’