બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મહત્ત્વની મીટિંગ પહેલાં વડા પ્રધાને એક મેગા રોડ-શો કર્યો
નવી દિલ્હીમાં ગઈ કાલે એક રોડ-શો દરમ્યાન સપોર્ટર્સનું અભિવાદન ઝીલી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની મહત્ત્વની મીટિંગ પહેલાં એક મેગા રોડ-શો કર્યો હતો. બીજેપીના અધ્યક્ષ જે. પી. નડ્ડાએ રોડ-શો પહેલાં બીજેપીના પદાધિકારીઓની મીટિંગને સંબોધન કર્યું હતું. મધ્ય દિલ્હીમાં એનડીએમસી કન્વેન્શન સેન્ટર અને સરદાર પટેલ માર્ગની વચ્ચે વડા પ્રધાનનો રોડ-શો યોજાયો હતો.
કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે આ રોડ-શોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘આ રોડ-શો માત્ર એક ઇવેન્ટ મૅનેજમેન્ટ છે. ભારત જોડો યાત્રાની ખૂબ જ સફળતાથી પીએમ મોદી ખળભળી ગયા છે. દિલ્હીમાં આ રોડ-શો એ પીએમ મોદી હજી પણ પૉપ્યુલર છે એ રજૂ કરવા માટેનો બીજેપીનો માત્ર એક પ્રયાસ છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : વડા પ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક, છોકરો હાર લઈને સાવ નજીક આવી ગયો
પીએમના રોડ-શોમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો અને સપોર્ટર્સ આવ્યા હતા. લોકોએ મોદી પર પાંખડીઓનો વરસાદ વરસાવ્યો હતો અને તેમના સપોર્ટમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.
પીએમનાં વિશાળ કટઆઉટ્સ પણ રોડ પર મૂકવામાં આવ્યાં હતાં. અનેક જગ્યાએ ફોક આર્ટિસ્ટ્સ પણ પર્ફોર્મ કરતા જોવા મળ્યા હતા.
બીજેપીના નેતાઓએ ધ્યાન દોર્યું હતું કે પીએમ મોદીએ ઓડિશામાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની મીટિંગ પહેલાં પણ રોડ-શો કર્યો હતો.