રાહુલ ગાંધીને દોષી ગણાવતા ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરતી અરજીને ફગાવતાં ગુજરાત હાઈ કોર્ટે જણાવ્યું કે કૉન્ગ્રેસના આ લીડરની વિરુદ્ધ ૧૦ ક્રિમિનલ કેસ છે, વળી પુણેની અદાલતમાં વીર સાવરકરના પૌત્ર દ્વારા પણ તેમની વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે
અમદાવાદમાં ગુજરાત હાઈ કોર્ટની બહાર ગઈ કાલે કૉન્ગ્રેસના લીડર્સ અને સપોર્ટર્સ (તસવીર : પી.ટી.આઇ.)
કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીને સંસદસભ્યપદ પાછું મેળવવાના પ્રયાસોમાં નિરાશા સાંપડી છે. ગુજરાત હાઈ કોર્ટે મોદી સરનેમ વિશે વાંધાજનક કમેન્ટને સંબંધિત અપરાધિક માનહાનિના કેસમાં તેમને દોષિત ગણાવતા ચુકાદા પર સ્ટે મૂકવાની માગણી કરતી તેમની અરજીને ગઈ કાલે ફગાવી દીધી હતી. હાઈ કોર્ટે પૉલિટિક્સમાં શુદ્ધતાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું હતું કે લોકોનું પ્રતિનિધિત્વ કરનારાઓનું શુદ્ધ વ્યક્તિત્વ હોવું જોઈએ.
આ ચુકાદા બાદ કૉન્ગ્રેસે જણાવ્યું હતું કે એ હાઈ કોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
ADVERTISEMENT
રાહુલની અરજીને ફગાવી દેતાં જસ્ટિસ એચ. એમ. પ્રચ્છકે ઑબ્ઝર્વ કર્યું હતું કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી એવા આધાર પર રાહુલ ચુકાદા પર સ્ટે મેળવવા ઇચ્છે છે. જજે જણાવ્યું હતું કે ડિસક્વૉલિફિકેશનનો મુદ્દો માત્ર સંસદસભ્યો અને વિધાનસભ્યો પૂરતો મર્યાદિત નથી. રાહુલની વિરુદ્ધ ૧૦ ક્રિમિનલ કેસ છે. પુણેની અદાલતમાં વીર સાવરકરના પૌત્ર દ્વારા પણ રાહુલની વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કેમ કે રાહુલે કૅમ્બ્રિજમાં વીર સાવરકરની વિરુદ્ધ વાંધાજનક કમેન્ટ્સ કરી હતી.
રાહુલની વિરુદ્ધ પેન્ડિંગ ફરિયાદોનો ઉલ્લેખ કરીને અદાલતે જણાવ્યું હતું કે આવા બૅકગ્રાઉન્ડમાં દોષી ગણાવતા ચુકાદા પર સ્ટે મૂકવાનો ઇનકાર કરવામાં આવે તો એનાથી કોઈ પણ રીતે અરજી કરનાર (રાહુલ)ને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય.
હાઈ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે સ્ટે મૂકવાની ના પાડતો સુરત સેશન્સ કોર્ટનો ચુકાદો ન્યાયસંગત અને કાયદેસર છે. હાઈ કોર્ટે સેશન્સ કોર્ટને માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજાની વિરુદ્ધ રાહુલની અપીલ પર ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
બીજેપીના લીડર અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલની વિરુદ્ધ ક્રિમિનલ માનહાનિનો કેસ દાખલ કર્યા બાદ ૨૩મી માર્ચે કૉન્ગ્રેસના આ લીડરને આઇપીસીની કલમ ૪૯૯ અને ૫૦૦ હેઠળ બે વર્ષ જેલની સજા કરવામાં આવી હતી.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેના પ્રચાર દરમ્યાન રાહુલે કરેલી કમેન્ટ્સ બદલ તેમની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. કર્ણાટકના કોલ્લારમાં એક રૅલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘તમામ ચોરોની સરનેમ મોદી કેવી રીતે હોય છે?’
અહંકારી સત્તા સચ્ચાઈને દબાવી રાખવા માટે દરેક રીત અપનાવે છે : પ્રિયંકા
કૉન્ગ્રેસનાં લીડર પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે રાહુલ ગાંધી આ અહંકારી સત્તાની વિરુદ્ધ સત્ય અને જનતાનાં હિતોની લડાઈ લડી રહ્યા છે. અહંકારી સત્તા ઇચ્છે છે કે જનતાનાં હિતોના સવાલ ઉઠાવવામાં ન આવે, દેશના લોકોની જિંદગીઓને સારી બનાવનારા સવાલો ન કરવામાં આવે, એને મોંઘવારી વિશે સવાલ ન પૂછવામાં આવે, યંગસ્ટર્સની રોજગારી વિશે વાત ન કરાય, મહિલાઓના અધિકારોની વાત ન કરાય, કામદારોના સન્માનનો સવાલ ઉઠાવવામાં ન આવે. અહંકારી સત્તા સચ્ચાઈને દબાવી રાખવા માટે દરેક રીત અપનાવે છે. જનતાનાં હિતોના સવાલો ન કરાય એ માટે સામ, દામ, દંડ, ભેદ, છળકપટ બધું જ અપનાવી રહી છે.
રાહુલ ગાંધી હંમેશાં સચ્ચાઈની લડાઈ લડ્યા છે અને આગળ પણ લડતા રહેશે. સચ્ચાઈ એ છે કે લલિત મોદી, નીરવ મોદી અને મેહુલ‘ભાઈ’, વિજય માલ્યા, જતિન મહેતા જેવા ભાગેડુઓ મોદી સરકારની દેખરેખમાં જનતાના રૂપિયા લઈને, શંકાસ્પદ રીતે વિદેશ પહોંચી ગયા છે. બીજેપીએ તેમને તો મુક્ત કરી દીધા, પરંતુ પૉલિટિકલ કાવતરા હેઠળ રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ છીનવી લીધું. : મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના અધ્યક્ષ