૧૦ નવેમ્બરે રિટાયર થતા ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે ઠાલવી વ્યથા
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ
૧૦ નવેમ્બરે નિવૃત્ત થઈ રહેલા ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો અર્થ એવો નથી થતો કે એ હંમેશાં સત્તાધારી પાર્ટીના વિરોધમાં જ ચુકાદા આપશે. ચીફ જસ્ટિસે લોકોને જજોના ચુકાદા પર ભરોસો રાખવાની અપીલ કરી હતી અને એ વાત પર ભાર મૂક્યો હતો કે જુડિશ્યલ સિસ્ટમ નિષ્પક્ષ રહેવી ખૂબ જરૂરી છે.
દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતાં ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે ‘મેં જ્યારે ઇલેક્ટોરલ બૉન્ડના કેસમાં કેન્દ્ર સરકારના વિરોધમાં ચુકાદો આપ્યો ત્યારે એને નિષ્પક્ષ ગણાવવામાં આવ્યો હતો, પણ જો ક્યારેક તમારો ચુકાદો સરકારના પક્ષમાં જતો રહે છે ત્યારે તમે સ્વતંત્ર નથી ગણાતા. મારા હિસાબે સ્વતંત્રતાની આ પરિભાષા નથી.’
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૧૫ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બૉન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવીને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ યોજના હેઠળ રાજકીય પાર્ટીઓને ફન્ડ આપવાની જોગવાઈ હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની પાંચ જજોની બેન્ચે એને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
સોશ્યલ મીડિયાનો ઘેરો પ્રભાવ
ન્યાયતંત્રની આઝાદી વિશે બોલતાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે જણાવ્યું હતું કે ‘ન્યાયપાલિકાની સ્વતંત્રતાનો મતલબ સરકારના પ્રભાવથી આઝાદી છે, પણ આ માત્ર એક ચીજ નથી જેનાથી ન્યાયપાલિકાને આઝાદ માની શકાય છે. આપણો સમાજ બદલાઈ ગયો છે. ખાસ કરીને સોશ્યલ મીડિયાનો આપણા પર ઘેરો પ્રભાવ પડ્યો છે અને હવે એવાં ગ્રુપ બની ગયાં છે જે ઇલેક્ટ્રૉનિક મીડિયાનો ઉપયોગ કરીને અદાલતો પર દબાવ બનાવે છે અને પોતાના પક્ષમાં ચુકાદો લાવવાની કોશિશ કરે છે. ઘણાં ગ્રુપ એવાં છે જે ન્યાયપાલિકાને ત્યાં સુધી જ આઝાદ માને છે જ્યાં સુધી તેમના પક્ષમાં ચુકાદો આવે છે. એક જજે સ્વતંત્ર હોવું જોઈએ અને તેણે પોતાના વિવેકના આધારે ચુકાદો આપવો જોઈએ અને તેમના ચુકાદા કાયદો અને બંધારણના આધારે હોવા જોઈએ.’