વિરોધ વચ્ચે નાગરિકતા સુધારા બિલ પસાર
અમિત શાહ
લોકસભામાં આજે ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સુધારણા બિલ રજૂ કરતાંની સાથે જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો હતો. આ બિલને સંસદમાં રજૂ કરવું કે નહીં એ માટે લગભગ એક કલાક સુધી ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. વિપક્ષ દ્વારા બિલને લઘુમતી વિરોધી હોવાનો આરોપ લગાવવા પર શાહે ૧૯૪૭માં દેશના ભાગલાનો ઉલ્લેખ કરતાં કૉન્ગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
નાગરિકતા સુધારણા બિલ અંગે સ્પષ્ટતા કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલ કોઈ પણ પ્રકારે અલ્પસંખ્યકોની વિરુદ્ધનું નથી. આ બિલ ૦.૦૦૧ ટકા પણ લઘુમતીઓની વિરોધમાં નથી. જો કૉન્ગ્રેસ ધર્મના નામ પર દેશના ભાગલા ન કરત તો કદાચ નાગરિકતા સુધારણા બિલની જરૂર જ ન હોત.
અમિત શાહે દેશના ભાગલા તો કૉન્ગ્રેસ પાર્ટીએ કર્યા છે, અમે નહીં. તેમણે જો ધર્મના નામે દેશના ભાગલા ન કરાવ્યા હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત. પાડોશી દેશોમાં મુસલમાનો વિરુદ્ધ ધાર્મિક દમન નથી થતું, એથી આ બિલનો લાભ તેમને નહીં મળી શકે અને જો ભવિષ્યમાં ક્યારેય આવું થશે તો સરકાર તેમને પણ આનો લાભ આપવા માટે ખુલ્લા મને વિચાર કરશે.
લોકસભામાં નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવાની બાબતે મતદાન થયું હતું. લોકસભામાં આ દરમ્યાન કુલ ૩૭૫ સંસદસભ્યોએ મતદાન કર્યું. આ બિલને રજૂ કરવાના પક્ષમાં ૨૯૩ મત અને વિરોધમાં ૮૨ મત પડ્યા. સૌથી મહત્ત્વની વાત છે કે બિલ રજૂ કરવા માટેના પક્ષમાં શિવસેનાએ પણ સમર્થનમાં મતદાન કર્યું હતું. નાગરિકતા સુધારણા બિલના પક્ષમાં ૨૯૩ મત પડ્યા બાદ સ્પીકર ઓમ બિરલાએ આ બિલને લોકસભામાં રજૂ કરવાની મંજૂરી આપી છે.
અમિત શાહે વળતો હુમલો કરતાં કહ્યું કે ગૃહના નિયમ ૭૨(૧)ના હિસાબથી આ બિલ કોઈ પણ આર્ટિકલનું ઉલ્લંઘન નથી. આર્ટિકલ-૧૧ને પૂરો વાંચો. કેટલાક સભ્યોને લાગે છે કે આ બિલથી સમાનતાના અધિકારનું ઉલ્લંઘન થાય છે. ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં નિર્ણય લીધો હતો કે બંગલા દેશથી આવેલા લોકોને ભારતની નાગરિકતા આપવામાં આવશે તો પાકિસ્તાનથી આવેલા લોકોની સાથે આવું કે ન કરવામાં આવ્યું. ત્યાર બાદ યુગાન્ડાથી આવેલા તમામ લોકોને કૉન્ગ્રેસના શાસનમાં નાગરિકતા આપવામાં આવી. ત્યારે ઇંગ્લૅન્ડથી આવેલા લોકોને કેમ ન આપવામાં આવી? પછી દંડકારણ્ય કાયદો લાવીને નાગરિકતા આપવામાં આવી. ત્યાર બાદ રાજીવ ગાંધીએ આસામ સમજૂતી કરી. એમાં પણ ૧૯૭૧ની જેમ જ કટ ઑફ ડેટ રાખવામાં આવી તો શું સમાનતા થઈ શકી? દરેક વખતે તાર્કિક વર્ગીકરણના આધારે જ નાગરિકતા આપવામાં આવે છે.
ગૃહપ્રધાન શાહે કહ્યું કે દુનિયાભરના દેશ અલગ-અલગ આધારે નાગરિકતા આપે છે. જ્યારે કોઈ દેશ કહે છે કે તેના દેશમાં રોકાણ કરનારી વ્યક્તિને નાગરિકતા આપશે તો શું ત્યાં સમાનતાનું સંરક્ષણ થઈ શકે છે? લઘુમતીઓ માટે વિશેષ અધિકાર કેવી રીતે હશે? ત્યાં સમાનતાનો કાયદો ક્યાં ચાલ્યો જાય છે? શું લઘુમતીઓને પોતાનાં શૈક્ષણિક સંસ્થાન ચલાવવાનો અધિકાર સમાનતાના કાયદા વિરુદ્ધ છે?
નાગરિકતા સંશોધન બિલ ૦.૦૦૧ ટકા પણ લઘુમતી વિરોધી નથી, કૉન્ગ્રેસે ધર્મના નામે દેશના ભાગલા ન કર્યા હોત તો આ બિલની જરૂર જ ન પડત
- અમિત શાહ, ગૃહ પ્રધાન
આ બિલ બંધારણના અનુચ્છેદ-૧૪નું ઉલ્લંઘન કરે છે. ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. જો બિલ રજૂ થયું તો ગૃહપ્રધાન અમિત શાહનું નામ ઇઝરાયલના પહેલા વડા પ્રધાન ડેવિડ બેન ગુરિઓન સાથે લખવામાં આવશે.
અસદુદ્દીન ઓવૈસી, એઆઇએમઆઇએમ પ્રમુખ
કાયદો છે શું?
નાગરિક સંશોધન બિલનો ઉદ્દેશ હિન્દુ, સિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ આ છ સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાનો છે.
બિલ મારફત વર્તમાન કાયદામાં સુધારો કરવામાં આવશે જેથી નક્કી કરેલા વર્ગોના ગેરકાનૂની પ્રવાસીઓને છૂટ આપી શકાય. જોકે આ સુધારા બિલમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નથી આવ્યો એટલા માટે વિપક્ષ બિલને ભારતીય બંધારણમાં સમાવિષ્ઠ ધર્મનિરપેક્ષ સિદ્ધાંતો વિરુદ્ધ ગણાવતાં બિલનો વિરોધ અને ટીકા કરી રહ્યો છે.
નવા કાયદામાં અન્ય સુધારાઓ પણ કરવામાં આવ્યા છે જેથી ગેરકાયદે ભારતમાં રહેલા લોકો તથા પાડોશી દેશોમાં ધાર્મિક અત્યાચારોના ત્રાસથી ભારતમાં શરણ લેનારા લોકોમાં સ્પષ્ટપણે અંતર રાખી શકાય.
દેશનાં પૂર્વોત્તર રાજ્યોમાં આ બિલનો પુરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. એ રાજ્યોને ચિંતા છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં બંગલા દેશમાંથી મોટી સંખ્યામાં આવેલા હિન્દુઓને નાગરિકતા મળી જશે.
નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં સરળતાથી પાસ થવાનું નક્કી છે, પણ રાજ્યસભામાં કે જ્યાં કેન્દ્ર સરકાર પાસે બહુમત નથી ત્યાં આ બિલને પારિત થવું થોડું મુશ્કેલ બની જશે.
પૂર્વોત્તર રાજ્યોનું કહેવું છે કે બંગલા દેશથી મોટા પાયે આવેલા હિન્દુઓને નાગરિકતા આપવાથી સ્થાનિકોના હક ઘટશે. આ બિલ સમાનતાની વાત કરતી બંધારણની કલમ ૧૪નું ઉલ્લંઘન, શ્રીલંકા-નેપાળના મુસ્લિમોને પણ બિલમાં સામેલ કરો.
કાયદો લાગુ થયા બાદ પાડોશી દેશોમાંથી આવેલા બિનમુસ્લિમોને એક વર્ષમાં મળી જશે નાગરિકતા, મુસ્લિમોને ક્યારેય નહીં મળે. બિનમુસ્લિમો દસ્તાવેજો વિના મળશે તો તેમને જેલ નહીં. ડિસેમ્બર ૨૦૧૪ સુધી ભારત આવેલા લોકો નાગરિકત્વને પાત્ર.
હાલમાં કોઈ પણ વ્યક્તિએ નાગરિકત્વ માટે ભારતમાં ૧૧ વર્ષ રહેવું જરૂરી છે, પરંતુ નવા વિધેયકમાં આ સમયમર્યાદા ઘટાડીને એકથી છ વર્ષની કરવામાં આવી છે.

