ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ મુંબઇ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાને મોડર્નાની કોરોના રસીને ઇમરજન્સી ઉપયોગ માટે આયાત કરવાની મંજૂરી આપી છે.
પ્રતીકાત્મક તસવીર
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ મુંબઇ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાને મોડર્નાની કોરોના રસીને ઇમરજન્સી ઉપયોગ માટે આયાત કરવાની મંજૂરી આપી છે. નીતિ આયોગ સભ્ય (આરોગ્ય) ડો.વી.કે. પૉલે જણાવ્યું હતું કે `મોડર્નાની રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.` મોડર્નાની રસી કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વી પછીની ભારતમાં ઉપલબ્ધ ચોથી કોરોનાની રસી હશે.
મોડર્નાએ 27 જૂને ડીસીજીઆઈને લખેલા પત્રમાં અહેવાલ આપ્યો હતો કે યુ.એસ. સરકાર તેની કોવિડ -19 રસી, `કોવૈક્સ` ના અમુક ચોક્કસ ડોઝ અહીં વાપરવા માટે ભારત સરકારને આપવા માટે સંમત થયા છે. આ સાથે જ તેમણે આ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસકો) ની મંજૂરી માંગી છે.
ADVERTISEMENT
સિપ્લાએ સોમવારે અમેરિકન ફાર્મા કંપની વતી ડ્રગ રેગ્યુલેટરને આ રસીઓને આયાત અને માર્કેટિંગના અધિકાર આપવા અપીલ કરી હતી. નોંધનીય છે કે કોવૈક્સ રસી કોરોના રસીના સમાન વિતરણ માટે વૈશ્વિક પહેલ છે.
એક અધિકારીએ કહ્યું કે કટોકટીની પરિસ્થિતિઓમાં મર્યાદિત ઉપયોગ માટેની આ પરવાનગી લોકોના હિતમાં છે. રસીકરણ કાર્યક્રમ માટે રસીનો ઉપયોગ શરૂ કરતા પહેલા કંપનીએ પ્રથમ 100 લાભાર્થીઓમાં રસી સલામતી આકારણી સબમિટ કરવી આવશ્યક છે.
સિપ્લાએ સોમવારે આ રસી આયાત કરવાની મંજૂરી માંગતી અરજી રજૂ કરી હતી. તેમણે 15 એપ્રિલ અને 1 જૂનની ડીસીજીઆઈ નોટિસનો સંદર્ભ આપ્યો હતો. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (યુએસએફડીએ) દ્વારા ઇમરજન્સી યુઝ રાઇટ્સ (ઇયુએ) માટે રસીની મંજૂરી આપવામાં આવે તો `બ્રિજિંગ ટ્રાયલ` વિના રસીનું માર્કેટિંગ કરી શકાય છે.