આ વર્ષના જૂન સુધીમાં માત્ર ૩.૪૩ મિલ્યન યુગલે જ લગ્ન કર્યાં છે.
અજબ ગજબ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડજર્ની)
દેશની ઘટતી જતી વસ્તીએ ચીનની ચિંતામાં વધારો કર્યો છે. વસ્તીવિસ્ફોટ ધરાવતા દેશોમાં પરિવાર નિયોજનનાં પગલાં લેવાય છે ત્યારે ચીનમાં લોકો લગ્ન કરે, સંતાનો પેદા કરે એના ઉપાય વિચારાય છે. વસ્તી વધારવા માટે નાગરિકો સંતાનોને જન્મ આપે એ માટેના કાયદાઓ તો ચીની સરકારે બનાવ્યા જ છે અને હવે લગ્ન વિશેના કાયદામાં ધરખમ ફેરફાર કર્યા છે. એમાં સૌધી મહત્ત્વનો ફેરફાર એ છે કે લગ્ન માટેની વાડાબંધી તોડી નખાઈ છે. એટલે કે લોકો ઇચ્છે ત્યાં લગ્ન કરી શકશે. ચીનમાં પહેલાંનાં લગ્નના કાયદા પ્રમાણે લગ્ન કરનારે ફરજિયાત હુકુ રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું. હવે એ નહીં કરાવવું પડે અને એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાં લગ્ન કરી શકશે. સાથેસાથે છૂટાછેડા લેનારા યુગલને ૩૦ દિવસનો કૂલિંગ પિરિયડ આપવામાં આવ્યો છે. સાથેસાથે કોઈ પક્ષ છૂટાછેડા લેવા તૈયાર ન હોય તો અરજી પાછી ખેંચી શકે છે. આ ફેરફારને કારણે લગ્નવિચ્છેદના કિસ્સા ઘટવાની આશા સેવાઈ રહી છે. આટઆટલા ઉપાયો અને કાયદામાં હળવાશ લાવવા છતાં ચીનમાં લગ્નમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષના જૂન સુધીમાં માત્ર ૩.૪૩ મિલ્યન યુગલે જ લગ્ન કર્યાં છે.