ગૃહપ્રધાને કહ્યું કે ભારતની જમીન પચાવી પાડવાના દિવસો ગયા, સોયની ટોચ જેટલી જમીન પણ કોઈ લઈ નહીં શકે
અરુણાચલ પ્રદેશના કિબિથુ ગામમાં સોમવારે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં અમિત શાહ. તસવીર પી.ટી.આઇ
ગૃહપ્રધાન અમિત શાહના અરુણાચલ પ્રદેશના પ્રવાસથી ચીન રોષે ભરાયું છે. અમિત શાહના પ્રવાસને ચીને એની સાર્વભૌમત્વના ઉલ્લંઘન સમાન ગણાવ્યો છે અને એને કારણે બન્ને દેશની સરહદ પર શાંતિ અને સદ્ભાવ પર અસરકર્તા ગણાવ્યો છે.
હાલમાં બીજિંગે અરુણાચલ પ્રદેશના ૧૧ વિસ્તારોનાં નામ બદલ્યાં છે, ચીન ભારતના અભિન્ન અંગ અરુણાચલ પ્રદેશને લઈને પ્રચાર કરતો રહે છે તથા એને દક્ષિણી તિબેટ તરીકે ઓળખાવે છે. ભારતે અનેક વાર ચીનના આ પ્રચારને નકારી કાઢ્યો છે. તાજેતરમાં ચીને વિસ્તારોનાં નામ બદલતાં ભારતે એની આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત અમેરિકાએ પણ ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક ગણાવી હતી.
ADVERTISEMENT
અમિત શાહ અરુણાચલ પ્રદેશના કિબિથુ ગામની મુલાકાતે ગયા છે. એ એલએસી નજીક આવેલું હોવાથી રાજનીતિક દૃષ્ટિએ આ ગામ ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ જ કારણસર ચીનને તેમની આ ગામની મુલાકાતથી તકલીફ થઈ રહી છે. ત્યાં તેમણે કહ્યું કે ‘ભારતની જમીન પચાવી પાડવાના દિવસો હવે ગયા. ચીનનું નામ લીધા વગર તેમણે કહ્યું કે સોયની ટોચ જેટલી જમીન પણ કોઈ લઈ નહીં શકે. અરુણાચલમાં કોઈ ‘નમસ્તે’ નથી કહેતું, બધા ‘જય હિન્દ’ બોલીને એકબીજાનું અભિવાદન કરે છે. અરુણાચાલવાસીઓના આવા અભિગમને કારણે જ ૧૯૬૨ની લડાઈમાં જે જમીન ચીન પચાવવા આવ્યું હતું ત્યાંથી એણે પાછું જવું પડ્યું હતું.’
તાજેતરમાં ચીને કેટલાંક ગામ અને પર્વતનાં નામ બદલ્યાં હતાં. અમિત શાહની આ ગામની મુલાકાત બદલ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે જંગનાન (ચીનની ભાષામાં દક્ષિણી તિબેટ) ચીનનો ભાગ છે. ભારતના પ્રધાનનો જંગનાનનો પ્રવાસ ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે. સરહદ પર શાંતિ જાળવવા માટે આ પ્રકારનો પ્રવાસ યોગ્ય નથી.
ચીને શરૂ કરી તાઇવાનને ઘેરવાની કવાયત
તાઇપેઇ (આઇ.એ.એન.એસ.) : ચીનની સેના જહાજ પરથી પૂર્વમાંથી તાઇવાન પર શરૂ કરાયેલા હુમલાનો અભ્યાસ કરી રહી હોવાનું તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જાહેર કરેલી માહિતીમાં ગઈ કાલે જણાવ્યું હતું. બીજિંગની જવાબી સેનાના અભ્યાસનો ગઈ કાલે ત્રીજો દિવસ હતો. પીએલએ ઍરક્રાફ્ટ ડિટેક્શન મૅપ મુજબ શનિવારે પશ્ચિમી પૅસિફિકમાં તાઇવાનની પૂર્વ દિશામાં જે૧૫ ફાઇટર જેટ શોધી કઢાયાં હોવાનું ‘ગાર્ડિયન’માં જણાવાયું હતું.
જે૧૫ ફાઇટર જેટ ક્યારેય તાઇવાનના ઍર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝોનમાં જોવા મળ્યાં નહોતાં અને એને શાનડોંગ સહિત બે પીએલએ ઍરક્રાફ્ટ પરથી લૉન્ચ કરવામાં આવ્યાં હોવાનું જણાવાય છે.