છત્તીસગઢમાં કૉન્ગ્રેસના નેતાઓ સામે ઈડીએ શરૂ કરેલી તપાસ વડા પ્રધાનની વેર અને બદલાની કાર્યવાહી છે, પણ એમનો પક્ષ ડરશે નહીં, મુખ્ય પ્રધાન બઘેલે કહ્યું કે અદાણી મામલે સત્ય બહાર આવવાથી બીજેપી હતાશ
જયરામ રમેશ
નવી દિલ્હી : છત્તીસગઢમાં પક્ષના નેતાઓ સામે ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કૉન્ગ્રેસે વડા પ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલું નિમ્ન કક્ષાનું રાજકારણ ગણાવ્યું છે. કોલ લેવી મની લૉન્ડરિંગ કેસમાં ઈડીએ સમગ્ર છત્તીસગઢમાં નવેસરની તપાસ શરૂ કરી છે. કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે આવી પદ્ધતિથી તેઓ એમના પક્ષને ડરાવી નહીં શકે. કૉન્ગ્રેસના પ્રવક્તા પવન ખેરા સામે આયોજિત સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ કોઈ અમૃતકાળ નથી, પરંતુ અઘોષિત ઇમર્જન્સી છે. વર્તમાન સરકાર તપાસ એજન્સીનો દુરુપયોગ કરી રહી છે. પીએમએલએ અંતર્ગત ઈડીને આપવામાં આવેલી સત્તા સામે ૧૭ જેટલા વિપક્ષો ભેગા થયા છે તેમ જ આ મામલે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા સામે સમીક્ષા-અરજી દાખલ કરવામાં આવશે. છત્તીસગઢના કૉન્ગ્રેસના નેતાઓ સામે કરવામાં આવેલી છાપામારીની કાર્યવાહી દ્વારા વડા પ્રધાન બદલો અને વેરનું રાજકારણ રમી રહ્યા છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બઘેલે પણ ઈડીની રેઇડ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અદાણી મામલે જે પ્રમાણે સત્ય બહાર આવી રહ્યું છે એને કારણે બીજેપી હતાશ છે. ચાર દિવસ બાદ રાયપુરમાં કૉન્ગ્રેસનું અધિવેશન છે, પરંતુ એનાથી અધિવેશનની તૈયારીમાં કોઈ ફરક પડશે નહીં.