Chhatrapati Shivaji Maharaj Statue: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં શિવાજી મહારાજની ભવ્ય અશ્વારોહણ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે આજે અનાવરણ કર્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજની ફાઇલ તસવીર
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અશ્વારોહણ પ્રતિમા (Chhatrapati Shivaji Maharaj Statue) તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ એવી પણ માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સંસ્કૃતિ મંત્રી સુધીર મુનગંટીવારે આજે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
હાલમાં જ દિવાળીનો તહેવાર પણ નજીકમાં છે ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી એકનાથ શિંદે જવાનોની સાથે દિવાળીના ફરાળની પણ લિજ્જત માણવાના છે. તમને જણાવી દઈએ કે, આમ્હી પુણેકરની પહેલ પર કાશ્મીરના કુપવાડામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા (Chhatrapati Shivaji Maharaj Statue) બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમાની વિશેષતા શું છે?
છત્રપતિ શિવાજી મહારાજની કુપવાડામાં ભારતીય આર્મી કેમ્પમાં જે પ્રતિમા ઉભી કરવામાં આવી છે આ અશ્વારોહણ પ્રતિમા સાડા દસ ફૂટ ઊંચી છે. સાથે જ જમીનથી લગભગ સમાન ઊંચાઈ અને 7 x 3 માપવાવાળા ઓટલા પર બાંધવામાં આવી છે. કુપવાડામાં ભારતીય આર્મી કેમ્પમાં આ પ્રતિમાના સ્થાનનું ભૂમિપૂજન ભારતીય સેનાની `નેશનલ રાઇફલ્સ`ની 41મી બટાલિયન (મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી)ના કમાન્ડિંગ ઓફિસર કર્નલ નવલગટ્ટી અને અભયરાજ શિરોલે, છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના અધ્યક્ષ અભયરાજ શિરોલે દ્વારા 20 માર્ચ 2023ના રોજ કરવામાં આવ્યું હતું.
નવી ટેક્નોલોજીના ઉપયોગથી તૈયાર કરવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની આ પ્રતિમા (Chhatrapati Shivaji Maharaj Statue) જમ્મુ-કાશ્મીરની પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને લાંબા સમય સુધી ટકી રહે એ રીતે બનાવવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજની અશ્વારોહણ પ્રતિમા સ્થાપિત કરવાનો કોન્સેપ્ટ `આમ્હી પુણેકર` એટલે જ કે ‘અમે પૂણેકર’ નામની સંસ્થા દ્વારા આગળ મૂકવામાં આવ્યો છે. આ પ્રવાસ મહારાષ્ટ્રથી શરૂ થયો હતો અને લગભગ 2200 કિમીનું અંતર કાપવામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો.
આ વર્ષે પડવાના દિવસે કુપવાડામાં ભારતીય આર્મી કેમ્પમાં આ પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ માટે શિવનેરી, તોરણા, રાજગઢ, પ્રતાપગઢ અને રાયગઢ એમ પાંચ કિલ્લાઓમાંથી માટી અને પાણી પણ લાવવામાં આવ્યા હતા. આ પ્રતિમા સાડા દસ ફૂટ ઉંચી છે અને જમીનથી લગભગ એટલી જ ઊંચાઈ સાથે 7 બાય 3 ચોરસ ભાગ પર ઊભી કરવામાં આવી છે. અહીં પ્રતિમાની પાછળ એક ઉંચો ભગવો ધ્વજ પણ લ્હેરવવામાં આવ્યો છે.
પ્રતિમાની સામે જે પહાડો છે તેની પેલે પાર પાકિસ્તાન છે. અશ્વારોહણ પ્રતિમા પર શિવાજી મહારાજનો ચહેરો અને તલવાર પાકિસ્તાન તરફ હોય એવી રીતે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ માટે 1 હજાર 800 જેટલી ટ્રકોમાં માટી ભરવામાં આવી હતી.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શું પ્રતિક્રિયા આપી?
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, "અમે અહીંથી ભારત અને પાકિસ્તાનની સરહદ પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય અશ્વારોહણ પ્રતિમા (Chhatrapati Shivaji Maharaj Statue) મોકલી છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. હવે તો પાકિસ્તાનને પણ છત્રપતિ શિવાજીની તલવાર જોઈને ડર લાગશે.”