ગાડીઓમાં મર્સિડીઝ-બેન્ઝનો પણ સમાવેશ
દિવાળી-ગિફ્ટ તરીકે કર્મચારીઓને કાર અને બાઇકની ભેટ
ચેન્નઈ સ્થિત સ્ટ્રક્ચરલ સ્ટીલ ડિઝાઇન અને ડીટેલિંગ સર્વિસ પૂરી પાડતી ‘ટીમ ડીટેલિંગ સોલ્યુશન્સ’ નામની કંપનીએ દિવાળી-ગિફ્ટ તરીકે એના ૨૮ કર્મચારીઓને કાર અને ૨૯ કર્મચારીઓને બાઇક ગિફ્ટમાં આપી છે. કારમાં હ્યુન્દાઇ, તાતા, મારુતિ સુઝુકી અને મર્સિડીઝ-બેન્ઝનો સમાવેશ છે. કંપનીમાં ૧૮૦ કર્મચારી કામ કરે છે અને આખા વર્ષના પર્ફોર્મન્સના આધારે આ કર્મચારીઓને કાર અને બાઇક ગિફ્ટમાં આપવામાં આવી છે. કર્મચારીઓની સખત મહેનત, કંપની પ્રત્યે સમર્પણ અને ધગશને જોતાં આ ગિફ્ટ આપવામાં આવી છે.
ગિફ્ટમાં કાર અને બાઇક આપવાના મુદ્દે કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર શ્રીધર કન્નન કહે છે, ‘અમે કંપનીની સફળતામાં તેમના અથાક પરિશ્રમની પ્રશંસા કરવા માગતા હતા. અમારું માનવું છે કે અમારા કર્મચારી જ અમારી સૌથી મોટી સંપત્તિ છે. કર્મચારીઓના યોગદાનને તેમના પર્ફોર્મન્સ અને કેટલાં વર્ષ આ કંપનીમાં કામ કર્યું છે એના આધારે આંકવામાં આવ્યું છે. અમારા કર્મચારીઓએ અસાધારણ પ્રતિબદ્ધતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું છે અને તેમની સફળતા પર અમને ગર્વ છે.’
ADVERTISEMENT
લગ્ન વખતે ૧ લાખ રૂપિયા
કર્મચારીઓને આ કંપની આવી ગિફ્ટ ઉપરાંત લગ્ન કરતી વખતે ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપે છે. આ વર્ષથી એ રકમ વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે.
અમે એવા કર્મચારીઓને પસંદ કરીએ છીએ જેઓ ગિફ્ટ જેવી ચીજોથી ઘણા પ્રેરિત થાય છે. આ કર્મચારીઓ માટે કાર કે બાઇક ખરીદવી એક સપના જેવું હોય છે. અગાઉ અમે ૨૦૨૨માં બે સિનિયર કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી. બાઇક પણ અમે આપતા હતા, પણ આ વર્ષે ઘણા કર્મચારીઓને કાર અને બાઇક મળી રહી છે. - શ્રીધર કન્નન, મૅનેજિંગ ડિરેક્ટર

