કોરોના દરમ્યાન દેશમાં લાખો લોકોને ભોજન આપનારા શેફ વિકાસ ખન્નાનું બહુમાન
વિકાસ ખન્ના
કોવિડ-19ની મહામારીમાં મેનહટનસ્થિત પોતાના ઘરેથી સેંકડો માઇલ દૂર ભારતમાં સંકલન કરીને મોટે પાયે ખોરાક વહેંચવાની ઝુંબેશને અમલી બનાવવા બદલ મિશેલીન માસ્ટર-શેફ વિકાસ ખન્નાને પ્રતિષ્ઠિત ૨૦૨૦ એશિયા ગેમચૅન્જર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે.
અમેરિકાસ્થિત નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન એશિયા સોસાયટી દ્વારા ૨૦૧૪માં ધ એશિયા ગેમચૅન્જર અવૉર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં એશિયાના ભવિષ્યમાં હકારાત્મક યોગદાન આપનારા સાચા અર્થમાં નેતા કહી શકાય તેવા લોકોને સન્માનિત કરવામાં આવે છે.
બુધવારે એશિયા સોસાયટી દ્વારા જાહેર કરાયેલા લોકોમાં ૪૮ વર્ષના વિકાસ ખન્ના એક માત્ર ભારતીય છે.
અન્ય સન્માનિત હસ્તીઓમાં પ્રખ્યાત સેલિસ્ટ યો-યો મા, ટેનિસ ચૅમ્પિયન નાઓમી ઓસાકા, કોરિયન બૉય બેન્ડ બીટીએસ, ઓસ્કર વિજેતા ફિલ્મ પેરાસાઇટના નિર્માતા મિકી લી અને અગ્રણી બિઝનેસમૅન પરોપકારી કલાકાર જો અને ક્લારા ત્સાઈનાં નામ જાહેર કરાયાં છે.