કૉન્ગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે ચંદ્રયાન-3 લૅન્ડિંગનો ઉત્સાહ અને ગૌરવ લાંબા સમય સુધી અમારી સાથે રહેશે
ફાઇલ તસવીર
કૉન્ગ્રેસે ગુરુવારે વડા પ્રધાન મોદી પર આરોપ મૂક્યો હતો કે ચંદ્રયાન-3ની સફળતા પાછળ વૈજ્ઞનિકોની સિદ્ધિ હતી, પણ લાઇમલાઇટમાં મોદી હતા. કૉન્ગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે ચંદ્રયાન-3 લૅન્ડિંગનો ઉત્સાહ અને ગૌરવ લાંબા સમય સુધી અમારી સાથે રહેશે. વેણુગોપાલે એક્ષ (ટ્વિટર) પર કહ્યું કે ઇસરો અધ્યક્ષ ડૉ. સોમનાથના નેતૃત્વએ ખરેખર ઇતિહાસ રચ્યો છે અને તેમની ટીમને અમારા હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ. જોકે પીએમ મોદીએ તેમના દંભ માટે કેટલાક જવાબો આપવા જોઈએ. તમે લૅન્ડિંગ પછી શ્રેય લેવા માટે ઉતાવળા હતા, પરંતુ શા માટે તમારી સરકાર વૈજ્ઞાનિકો અને ઇસરોને સમર્થન આપવામાં નિષ્ફળ રહી છે. કૉન્ગ્રેસના નેતાએ એ સવાલ પણ ઉઠાવ્યો કે હેવી એન્જિનિયરિંગ કૉર્પોરેશન (એચઈસી) એન્જિનિયર્સ જેમણે ચંદ્રયાન-3 પર કામ કર્યું હતું, તેમને ૧૭ મહિનાથી તેમનો પગાર કેમ ચૂકવાયો નથી. સાથે જ તમે આટલા મહત્ત્વના મિશન માટેના બજેટમાં કેમ ઘટાડો કર્યો?