Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan

ભારતનો જયજયકાર

Published : 24 August, 2023 11:35 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચંદ્રયાન 3 ચંદ્ર પર સફળતાપૂર્વક લૅન્ડ થવાની ઐતિહાસિક ક્ષણને લોકોએ ઢોલ-નગારાં વગાડવાની સાથે મીઠાઈ વહેંચીને વધાવી

ચંદ્રયાનના સફળતાપૂર્વક લૅન્ડિંગની ઉજવણી કરતા લખનઉના વિદ્યાર્થીઓ

ચંદ્રયાનના સફળતાપૂર્વક લૅન્ડિંગની ઉજવણી કરતા લખનઉના વિદ્યાર્થીઓ


ચંદ્રયાન ૩ ગઈ કાલે સાંજના ૬.૦૩ વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લૅન્ડ થવાની સાથે જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોએ મોટા પાયે આ ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી. લોકોએ ઢોલ-નગારાં વગાડવાની સાથે મીઠાઈ વહેંચીને ઇસરોના વૈજ્ઞાનિકોની સિદ્ધિને આવકારીને તેમનો તેમ જ ભારતનો જયજયકાર બોલાવ્યો હતો. ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં યાન ઉતારનાર ભારત દુનિયાનો પહેલો દેશ બન્યો હતો એની ખુશી લોકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી હતી. જાણે ચંદ્ર પર આપણું યાન નહીં પણ પોતે પહોંચી ગયા હોય એવી લાગણી તેમણે અનુભવી હતી.


ઇસરોએ ચંદ્રયાન ૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં લૅન્ડ થયું હોવાનું હોવાની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે મુંબઈ અને આસપાસમાં અનેક જગ્યાએ લાઇવ પ્રસારણ ગોઠવવાની સાથે આ ઘટનાને વધાવી લેવા માટેનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન ૩ ચંદ્રની સપાટી ઊતરવાનું હતું ત્યારની પંદર મિનિટ મુંબઈ રીતસરનું થંભી ગયું હતું. લોકોને જ્યાંથી લાઇવ જોવાનો મોકો મળ્યો હતો ત્યાં રોકાઈ ગયા હતા.




ચન્દ્રયાન-૩ દ્વારા ગઈ કાલે રાત્રે ચન્દ્રની સપાટીની આ ઇમેજિઝ મોકલવામાં આવી હતી

એકનાથ શિંદે : દરેક ભારતીયને ગર્વ થાય એવી આ ક્ષણ છે. બૌદ્ધિકોના દેશ તરીકે ઓળખાતા ભારતે આ દેદીપ્યમાન અને ઐતિહાસિક સફળતા મેળવી છે. ચંદ્રયાન ૩નું વિક્રમ લૅન્ડર ચંદ્ર પર આપણે સફળતાપૂર્વક ઉતાર્યું એનાથી તમામ ભારતીયોની છાતી ગજગજ ફૂલી ગઈ છે. ભારત શાસ્ત્રજ્ઞ, તંત્રજ્ઞ અને સંશોધકોનો દેશ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના દિશાદર્શક નેતૃત્વ અને પીઠબળનો વૈજ્ઞાનિકોને લાભ મળ્યો છે. રાજ્ય સરકારે હમણાં જ ઉદ્યોગરત્નથી જેમનું સન્માન કર્યું એ રતન તાતાની તાતા સ્ટીલ કંપનીમાં બનાવવામાં આવેલી ક્રેનનો ઉપયોગ રૉકેટ લૉન્ચ કરવામાં થયો હતો એ વાતનો મને આનંદ છે. વિકસિત દેશ રશિયાનું લુના-૨૫ ચંદ્ર પર તૂટી પડ્યું હતું, પરંતુ આપણા ઇસરોના વૈજ્ઞાનિકોએ આજે આ કામ સફળતાપૂર્વક કરીને બતાવ્યું છે. તેમને ખૂબ-ખૂબ અભિનંદન.


દેવેન્દ્ર ફડણવીસ : ભારત આજે ચંદ્ર પર પહોંચ્યું. આ નવા ભારતનો નવો વિક્રમ છે. દુનિયાના ઇતિહાસમાં આજનો દિવસ ભારત માટે સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન ૨ મિશન નિષ્ફળ જવા છતાં આ અભિયાનને આગળ વધાર્યું એટલે આજે આપણને આ સફળતા મળી છે. આપણાં નસીબ છે કે આપણી હયાતીમાં ચંદ્ર પર પહોંચવા માટેની ક્ષણ આપણે માણી શક્યા. આ સફળતા સાથે ભારતે અવકાશ માર્ગે ઊંચી છલાંગ લગાવી છે. વિકસિત દેશો જે ન કરી શક્યા એ ભારતે કરી દેખાડ્યું છે. આ અભિયાનનો ફાયદો માત્ર ભારતને જ નહીં, આખી દુનિયાને થશે. ભારતના વૈજ્ઞાનિકો પણ વિકસિત દેશોની જેમ સક્ષમ હોવાનો મને ગર્વ છે. ટીમ ઇસરોની આખી ટીમને મારાં ખૂબ-ખૂબ અભિનંદન.

અજિત પવાર : ચંદ્રની સપાટી પર ઊતરવામાં અમેરિકા, રશિયા અને ચીન બાદ હવે ભારતે પણ સફળતા મેળવી છે. ચંદ્રયાન ૩ની આ સફળતાથી આખી દુનિયામાં ભારતનું માથું શાનથી ઊંચું થઈ ગયું છે અને દરેક ભારતીયને ગર્વ થાય એવી આ ઐતિહાસિક ઘટના છે. ભારતના વૈજ્ઞાનિકોએ વર્ષો સુધી કરેલી સખત મહેનતનું આ પરિણામ છે. સમગ્ર દેશવાસીઓના સાથ-સહકારથી આ યશ મળ્યો છે. ચંદ્રયાન-૩ અભિયાનમાં યોગદાન આપનારા તમામ વૈજ્ઞાનિકો અને ટેક્નિકલ ટીમ સહિત દેશવાસીઓને મનથી અભિનંદન છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં દેશ સફળતાનાં નવાં-નવાં શિખરો સર કરશે એવો વિશ્વાસ છે.

શરદ પવાર : મને ખુશી છે કે આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાને બતાવી દીધું છે કે ભારત દુનિયામાં આગળ જનારો દેશ છે. સમસ્યાઓ ઘણી હોય છે. ક્યારેક હાર અને ક્યારેક જીત થાય છે. અનેક નિષ્ફળતા મળ્યા બાદ પણ આપણા વૈજ્ઞાનિકોએ હાર નહોતી માની. તેમણે સતત અથાક પ્રયાસ કર્યા હતા એને લીધે આ સફળતા મળી છે. મને આનંદ છે કે આ ઐતિહાસિક ક્ષણ મુંબઈના નેહરુ સેન્ટરમાં બેસીને માણવા મળી. પંડિત જવાહરલાલ નેહરુએ ભારતના વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે અને તેઓ નવાં-નવાં સંશોધનો કરે એ માટે નેહરુ સેન્ટરની સ્થાપના કરી હતી. મને લાગે છે કે તેમની આ દૂરંદેશીને લીધે જ આજે ભારત ચંદ્રયાન-૩ને સફળતાપૂર્વક આગળ વધારી શક્યું છે.

ઉદ્ધવ ઠાકરે : ચંદ્રની ધરતી પર ભારતનું ચંદ્રયાન સફળતાપૂર્વક ઊતર્યું. જે કોઈ ન કરી શક્યું એ ભારતે કરીને બતાવ્યું. તમામ ભારતીયો માટે આ અત્યંત આનંદ અને ગર્વની ક્ષણ છે. તમામ વૈજ્ઞાનિકો અને નાગરિકોને હાર્દિક અભિનંદન.

અંધેરી સ્ટેશને ચન્દ્રયાન-3ના લૅન્ડિંગને પ્રવાસીઓએ સ્ક્રીન પર જોયું હતું

એક ડઝન દેશોએ કરી છે ચંદ્રયાન જેવા મિશનની તૈયારી

ભારત ૨૧મી સદીમાં ચંદ્ર પર સફળતાપૂર્વક અવકાશયાન મોકલનાર ચીન બાદ બીજો દેશ બન્યો છે. ચીને ૨૦૧૩ બાદ ચંદ્ર પર ત્રણ અવકાશયાન મોકલ્યાં છે. અમેરિકાએ ૧૯૭૨માં અપોલો ૧૭ મિશન અંતર્ગત અવકાશયાન મોકલ્યું હતું. લગભગ એક ડઝન જેટલા દેશોએ આવા મિશનની તૈયારીઓ કરી છે. જપાનની સ્પેસ એજન્સી ધ જપાન ઍરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી આ મહિનાના અંતે અવકાશયાન મોકલશે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ આ વર્ષે ત્રણ અવકાશયાન મોકલશે. વળી ૨૦૨૫ સુધીમાં અવકાશયાત્રીઓને મોકલશે. ૨૦૧૯માં ભારતનું ચંદ્રાયાન-2 મિશન નિષ્ફળ રહ્યું હતું ત્યાર બાદ આવું જ મિશન ઇઝરાયલ અને જપાને પણ કર્યું હતું. આ બન્ને મિશન પણ નિષ્ફળ રહ્યાં હતાં.

Whatsapp-channel Whatsapp-channel

24 August, 2023 11:35 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK