૧૩થી ૧૯ જુલાઈ વચ્ચે આ મિશનને લૉન્ચ કરવામાં આવશે, સફળ થયું તો ભારત આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બનશે
શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સ્ટેશનના ચંદ્રયાન-૩ને લઈ જનાર અવકાશયાન. ચન્દ્રયાન-૩ના લૅન્ડરને ચન્દ્રના દક્ષિણ ગોળાર્ધ કે દિક્ષણ ધ્રુવની પાસે લૅન્ડ કરવામાં આવશે. પી.ટી.આઇ.
બૅન્ગલોર (પી.ટી.આઇ.) : ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં ગઈ કાલે ચંદ્રયાન-૩ને અવકાશયાન લૉન્ચ વેહિલ માર્ક-૩ (એલવીએમ૩)માં બેસાડ્યું હતું. ચંદ્રની સપાટી પર ઊતરવા માટે ચંદ્રયાન-૨ બાદ ચંદ્રયાન-૩ મિશન તૈયાર કરવામાં આવ્યું છે. ઇસરોએ જણાવ્યું હતું કે ચંદ્રયાન-૩ મિશન ૧૩ જુલાઈથી ૧૯ જુલાઈની વચ્ચે લૉન્ચ થવાનું છે. ઇસરોના અધિકારીએ જણાવ્યું હતું કે અમે એને ૧૩ જુલાઈએ લૉન્ચ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. ચંદ્રયાન ત્યાં આવતાં ધરતીકંપ અને ત્યાંના પર્યાવરણની રચનાનો અભ્યાસ કરવા માટેનાં સાધનોથી સુસજ્જ છે. ચંદ્રયાન-૩ના અવકાશયાનનાં તમામ પરીક્ષણો પૂર્ણ કરવામાં આવ્યાં છે. અવકાશયાનને અગાઉ જીએસએલવી તરીકે ઓળખવામાં આવતું હતું. હવે એલવીએમ૩ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રયાન-૩ના લેન્ડરમાં ચંદ્રની ચોક્કસ જગ્યા પર સૉફ્ટલૅન્ડ કરવાની ક્ષમતા હશે. વળી ચંદ્રયાન ચંદ્રની સપાટીનું રાસાયણિક વિશ્લેષણ કરશે. ચંદ્રયાનના પ્રોપલ્શન મૉડ્યુલનું મુખ્ય કામ લેન્ડર મૉડ્યુલને લૉન્ચ વાહિકલથી લઈને ચંદ્રના ૧૦૦ કિલોમીટર ધ્રુવીય ભ્રમણકક્ષા સુધી લઈ જવાનું અને ત્યાર બાદ એને અલગ કરવાનું છે. જો આ મિશન સફળ થાય તો આવું કરનાર ભારત વિશ્વનો ચોથો દેશ બનશે.