સિસ્ટમમાં મોટા ભાગની ફાઇલ્સને ડિલીટ કરવામાં આવી હતી, એક અધિકારીએ કેજરીવાલના ઘરે મળેલી મીટિંગની માહિતી આપી
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા
નવી દિલ્હી: દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડને લઈને આમ આદમી પાર્ટી હંગામો મચાવી રહી છે. સોર્સિસ અનુસાર દિલ્હીમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાંથી જપ્ત કરવામાં આવેલા એક ડિજિટલ ડિવાઇસથી સીબીઆઇને લિકર પૉલિસી કેસમાં સિસોદિયાની કથિત ભૂમિકા વિશે પર્દાફાશ કરવામાં મદદ મળી હતી. લગભગ આઠ કલાકની પૂછપરછને પગલે રવિવારે રાતે સીબીઆઇ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઇના સોર્સિસ અનુસાર ૧૯મી ઑગસ્ટે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં સર્ચ દરમ્યાન એક ડિજિટલ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યું હતું. એની તપાસ કરતાં એક્સાઇઝ પૉલિસીનો એક ડ્રાફ્ટ ડૉક્યુમેન્ટ એજન્સીને એક સિસ્ટમ સુધી લઈ ગયો. આ સિસ્ટમ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના નેટવર્કનો એક ભાગ નહોતી.
ADVERTISEMENT
સીબીઆઇના અધિકારીઓએ જ્યારે એના સંબંધમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના એક અધિકારીને સવાલ કર્યો હતો ત્યારે અધિકારીઓને સિસોદિયાની ઑફિસમાં કમ્પ્યુટર સુધીની કડી મળી હતી. તેમણે ૧૪મી જાન્યુઆરીએ દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાનની ઑફિસમાંથી આ સિસ્ટમ જપ્ત કરી હતી.
સોર્સિસે જણાવ્યું હતું કે સિસ્ટમમાં મોટા ભાગની ફાઇલ્સને ડિલીટ કરવામાં આવી હતી, પરંતુ સીબીઆઇની ફૉરેન્સિક ટીમની મદદથી અધિકારીઓ રેકૉર્ડ્સને પાછા મેળવવામાં સફળ રહ્યા છે. ફૉરેન્સિક તપાસ દરમ્યાન બહાર આવ્યું કે જે ડૉક્યુમેન્ટની તપાસ થઈ રહી છે એ વૉટ્સઍપથી ઓરિજનલી ઑફિશ્યલ નેટવર્કની બહારથી મેળવવામાં આવ્યો હતો.
સીબીઆઇએ એ પછી દિલ્હી, આંદામાન નિકોબાર, લક્ષ્યદ્વીપ, દમણ દીવ અને દાદરાનગર હવેલી સર્વિસિસના ૧૯૯૬ની બૅચના એક બ્યુરોક્રેટને સમન્સ બજાવ્યું હતું. જેઓ સિસોદિયાના સેક્રેટરી હતા. આ અધિકારીને આ ફાઇલ વિશે સવાલો કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં મૅજિસ્ટ્રેટ સમક્ષ તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવામાં આવ્યું હતું.
સોર્સિસે જણાવ્યું હતું કે આ ઑફિસરે આ તપાસ અધિકારીઓને જણાવ્યું હતું કે સિસોદિયાએ માર્ચ ૨૦૨૧માં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે તેમને બોલાવ્યા હતા અને એક્સાઇઝ પૉલિસી પરના પ્રધાનોના ગ્રુપના ડ્રાફ્ટ રિપોર્ટની તેમને એક કૉપી આપી હતી. આ મીટિંગમાં દિલ્હીના પ્રધાન સત્યેન્દ્ર જૈન પણ હાજર હતા. સત્યેન્દ્ર અત્યારે મની લૉન્ડરિંગના એક કેસમાં જેલમાં છે.
આ ડ્રાફ્ટ રિપોર્ટથી જ ૧૨ ટકા પ્રૉફિટ-માર્જિનનો નિયમ આવ્યો હતો. કેવી રીતે ૧૨ ટકાના પ્રૉફિટ-માર્જિનનો નિયમ નક્કી કરવામાં આવ્યો એના સંબંધમાં કોઈ ફાઇલ કે ચર્ચાનો કોઈ પણ રેકૉર્ડ નથી. આ પહેલાં હોલસેલર્સનું પ્રૉફિટ-માર્જિન પાંચ ટકા હતું જે આરોપી બિઝનેસમેનના આગ્રહથી વધારવામાં આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન સિસોદિયાને આ ડ્રાફ્ટ ડૉક્યુમેન્ટ વિશે સવાલો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે એ વિશે કોઈ માહિતી નહોતી આપી.