નીરવ મોદી પંજાબ નૅશનલ બૅન્ક સાથે થયેલી ૬૪૯૮ કરોડ રૂપિયાની છેતરપિંડીનો મુખ્ય આરોપી છે
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદીના સાળા મૈનક મહેતાને હૉન્ગકૉન્ગ જવાની બૉમ્બે હાઈ કોર્ટે આપેલી મંજૂરીને પડકારતી સીબીઆઇની અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટ ૩૧ જાન્યુઆરીએ કરશે. નીરવ મોદી પંજાબ નૅશનલ બૅન્ક સાથે થયેલી ૬૪૯૮ કરોડ રૂપિયાની છેતરપિંડીનો મુખ્ય આરોપી છે. સીબીઆઇ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે પંજાબ નૅશનલ બૅન્કમાંથી ઉપાડવામાં આવેલી મોટી રકમ મહેતાએ પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરી હતી. વળી મૈનક તપાસમાં પણ સહકાર આપતો નથી. જો તેને વિદેશ મોકલવામાં આવશે તો તે ભારત પાછો નહીં આવે.
દરમ્યાન મુંબઈની સ્પેશ્યલ કોર્ટે નીરવ મોદીની ફાઇવસ્ટાર ઇન્ટરનૅશનલ લિમિટેડ કંપનીના ભૂતપૂર્વ ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (સીએફઓ) વિરુદ્ધ જાહેર કરવામાં આવેલી લુકઆઉટ નોટિસ રદ કરી હતી. સીએફઓ રવિશંકર ગુપ્તાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ એક મલ્ટિનૅશનલ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોવાથી વિદેશ જવાની જરૂર છે. સીબીઆઇએ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે ‘ગુપ્તા નીરવ મોદીની કંપનીનું ફાઇનૅન્સ સંભાળતા હતા. જો એલઓસી હટાવવામાં આવશે તો ગુપ્તા પણ દેશ છોડીને ભાગી જશે.’