જુદી-જુદી સ્ટડી દ્વારા હવે આ વાતને આડકતરી રીતે સ્વીકારવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાં ડબ્લ્યુએચઓનાં ચીફ સાયન્ટિસ્ટ સોમ્યા સ્વામીનાથને પણ કોરોનાને લીધે હાર્ટ-અટૅક અને ડાયાબિટીઝનું પ્રમાણ વધ્યું હોવાનું કબૂલ કર્યું હતું
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : તમામ એજ ગ્રુપ્સમાં કોરોનાની હિસ્ટ્રી ધરાવતા લોકોમાં હાર્ટ અટૅકથી મૃત્યુના પ્રમાણમાં ચોંકાવનારો વધારો થયો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક હેલ્થ રિપોર્ટ અનુસાર જેમને લાંબા સમય સુધી કોરોના રહ્યો હતો એવા લોકોમાં ધબકારા વધી જવા, ચક્કર આવવા, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં કેટલાંક કૉમન લક્ષણો હાર્ટમાં સમસ્યાઓને કારણે છે કે પછી કોરોનાના ઇન્ફેક્શનમાંથી રિકવરીના મહિનાઓ બાદ પણ કોરોનાની આફ્ટર ઇફેક્ટ્સના કારણે છે. અનેક હૉસ્પિટલમાં હાર્ટ અટૅકના કેસમાં ૧૦-૧૫ ટકાથી વધુ વધારો થયો છે.
ડૉક્ટર્સે એ પણ નોંધ લીધી છે કે અસરગ્રસ્ત વ્યક્તિઓમાંથી અનેકમાં કાર્ડિઍક બીમારીની હિસ્ટ્રી નહોતી અને ૫૦ ટકાથી વધારે સ્મોકિંગ પણ નહોતા કરતા.
ADVERTISEMENT
નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન દ્વારા પબ્લિશ સ્ટડીઝ અનુસાર મહામારીનાં પહેલાં બે વર્ષમાં ૨૫થી ૪૪ વર્ષના એજ ગ્રુપના લોકોમાં હાર્ટ અટૅકના કારણે મૃત્યુના પ્રમાણમાં ૨૯.૯ ટકાનો વધારો થયો છે.
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે યંગ લોકોમાં હાર્ટ અટૅકથી મૃત્યુનું પ્રમાણ વધ્યું હોવા છતાં એનું કારણ સ્પષ્ટ નથી. જોકે અત્યારે થઈ રહેલી સ્ટડીઝમાં શરીરે વાઇરસ સામે ખૂબ જ ફાઇટ આપવી પડી હોવાના કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાના કારણે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર આ વાઇરસની અસર તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ઇન્ફ્લુએન્ઝા વાઇરસ H3N2 કોરોનાની જેમ ફેલાઈ રહ્યો છે : એઇમ્સના ભૂતપૂર્વ વડા
કોરોના અને હાર્ટ
નેચર મેડિસિનમાં પબ્લિશ કરાયેલી એક સ્ટડી અનુસાર શરૂઆતનાં લક્ષણો ગમે એટલાં ગંભીર હોય, પરંતુ જે લોકો કોરોનાથી ઊગરી ગયા હોય તેમનામાં એક વર્ષે પણ હાર્ટની બીમારી થવાનું જોખમ નોંધપાત્ર છે. આ સ્ટડીમાં કોરોનાનો સામનો કરનારા દોઢ લાખથી વધારે લોકોના કેસને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા અને એવા તારણ પર પહોંચવામાં આવ્યું હતું કે હાર્ટની બીમારી માટે અન્ય કોઈ રિસ્ક ફૅક્ટર ન હોય એવા લોકો માટે પણ જોખમ વધી જાય છે.
કોરોનાની હાર્ટ પર કેવી રીતે અસર થાય છે?
મેડિકલ સ્કૂલ જૉન હૉપકિન્સ મેડિસિન અનુસાર કોરોના ભલે મુખ્યત્વે શ્વાસોશ્વાસ કે ફેફસાંની બીમારી હોવા છતાં એની હૃદય પર ખૂબ જ અસર થાય છે. આ કારણોસર હાર્ટને અસર થાય છે.
ઑક્સિજનનો અભાવ : કોરોનાના કારણે ફેફસાંની કામગીરીને અસર થાય છે એટલે લોહીમાં ઓછો ઑક્સિજન પહોંચે છે અને હૃદયે સમગ્ર શરીરમાં લોહીનું પમ્પિંગ કરવા માટે સખત મહેનત કરવી પડે છે. જેમને પહેલાંથી હાર્ટની કોઈ બીમારી હોય એવા લોકોમાં આ ખૂબ જ ભયજનક પુરવાર થઈ શકે છે. વધારે પડતું કામ કરવાના કારણે હૃદય ઓચિંતું બંધ થઈ શકે છે કે અપૂરતા ઑક્સિજનના કારણે કાર્ડિઍક અરેસ્ટ અને એના પગલે મોત પણ થઈ શકે છે.
માયોકાર્ડિટિસ : કોરોના વાઇરસ હાર્ટના મસલ ટિશ્યુને સીધી રીતે સંક્રમિત અને નુકસાન કરે છે, જે અન્ય વાઇરલ ઇન્ફેક્શન્સના કારણે પણ શક્ય છે. ડૉક્ટર્સ અનુસાર હાર્ટને પણ કદાચ નુકસાન થઈ શકે છે. કોરોના વાઇરસનું ઇન્ફેક્શન નસો અને ધમનીઓની આંતરિક સપાટીને પણ અસર કરે છે સાથે લોહી પણ ગંઠાઈ જાય છે.
સ્ટ્રેસ કાર્ડિયોમાયોપથી : કાર્ડિયોમાયોપથી એ હાર્ટ મસલ ડિસઑર્ડર છે કે જે અસરકારક અને નિયમિતપણે લોહીને પમ્પ કરવાની હાર્ટની ક્ષમતાને અસર કરે છે. શરીર પર જ્યારે વાઇરસ અટૅક કરે છે ત્યારે શરીર સ્ટ્રેસમાંથી પસાર થાય છે અને એ કૅટેકૉલામાઇન્સ નામનું કેમિકલ રિલીઝ કરે છે, જેની હૃદય પર ખરાબ અસર થાય છે.