ઉત્તર પ્રદેશના દેવરિયામાં ૩૦ સપ્ટેમ્બરે ૩૦ વર્ષની એક મહિલાનો મૃતદેહ ત્રણ ભાગમાં મળ્યો હતો. આ બ્લાઇન્ડ મર્ડરના કેસમાં આરોપી મુન્ના નિષાદની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
દેવરિયા : ઉત્તર પ્રદેશના દેવરિયામાં ૩૦ સપ્ટેમ્બરે ૩૦ વર્ષની એક મહિલાનો મૃતદેહ ત્રણ ભાગમાં મળ્યો હતો. આ બ્લાઇન્ડ મર્ડરના કેસમાં આરોપી મુન્ના નિષાદની ધરપકડ કરવામાં આવી છે. તે આ મહિલાની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતો. તેણે જણાવ્યું હતું કે તે આ મહિલાની સાથે ગોરખપુરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. એ દરમ્યાન આ મહિલા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. આરોપીએ તેને અબૉર્શન કરવા માટે કહ્યું તો તેણે ના પાડી દીધી હતી. એનાથી રોષે ભરાયેલા આરોપીએ ગળું દબાવીને તેની હત્યા કરી હતી અને મૃતદેહના ત્રણ ટુકડા કરીને એક ખેતરમાં ફેંકી દીધા હતા.
મુન્ના નિષાદે પોલીસને જણાવ્યું હતું કે તે પૈના ગામનો છે. આ મહિલાનું નામ ખુશ્બૂ સિંહ છે અને તે એ જ ગામની છે. ખુશ્બૂએ ૨૦૧૬માં બીજી એક વ્યક્તિ સાથે કોર્ટ-મૅરેજ કર્યાં હતાં અને ૨૦૨૨માં તેના ડિવૉર્સ થઈ ગયા હતા.
આરોપીએ કહ્યું હતું કે તે દુબઈમાં નોકરી કરતો હતો. ડિસેમ્બર ૨૦૨૨માં તે પાછો ફર્યો હતો અને ગોરખપુરમાં ભાડાના એક મકાનમાં ખુશ્બૂની સાથે રહેવા લાગ્યો હતો. ખુશ્બૂ પ્રેગ્નન્ટ થઈ તો આરોપી તેને અબૉર્શન માટે ફોર્સ કરતો હતો. એને કારણે બંને વચ્ચે લડાઈ થતી રહેતી હતી. એ લડાઈમાં જ તેણે ખુશ્બૂનું મર્ડર કર્યું હતું.
તે એક પિક-અપ વૅનમાં મૃતદેહ મૂકીને તેના ગામ જવા નીકળ્યો હતો. દેવરિયા જિલ્લામાં પોતાના ગામ પહેલાં બરૌલી કરાયલ શુક્લ માર્ગ પર પિક-અપ વૅનમાંથી મૃતદેહ ઉતારીને ડ્રાઇવરને મોકલી દીધો. એ પછી એક ખેતરમાં મૃતદેહના ટુકડા ફેંકીને ભાગી ગયો હતો.
નોંધપાત્ર છે કે દિલ્હીમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેની હત્યા કરી હતી.