વિશાલે જણાવ્યું હતું કે ‘એ સમયે હું માત્ર ૨૪ વર્ષનો હતો. મેં ત્યાં સુધીમાં ક્યારેય ડેડ-બૉડી જોઈ નહોતી`
વિશાલ બત્રા, વિક્રમ બત્રા
કારગિલ યુદ્ધમાં દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા કૅપ્ટન વિક્રમ બત્રાના જોડિયા ભાઈ વિશાલ બત્રા ગઈ કાલે પચીસમા કારગિલ વિજય દિવસે એ ટોચ પર પહોંચ્યા હતા જ્યાં પચીસ વર્ષ પહેલાં તેના ભાઈ વિક્રમ બત્રાએ સાહસ અને પરાક્રમ બતાવીને જીત મેળવી હતી. કારગિલ યુદ્ધમાં ભારતને વિજય અપાવવામાં સૌથી મોટું બલિદાન આપનારા વિક્રમ બત્રાને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
ભાઈ વિક્રમ બત્રાને યાદ કરતાં વિશાલ બત્રાએ કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૫ વર્ષથી હું અહીં આવું છું. પહેલાં ૧૦ વર્ષ તો હું એને ભૂલી જ શક્યો નહોતો. આ ઊંચા પહાડોને જોઈને હું મારા ભાઈ કૅપ્ટન વિક્રમ બત્રાથી લઈને અનુજ નૈયર અને મનોજ પાંડે સુધીના દરેક યુવા અધિકારીની હિંમત, નિશ્ચય, બહાદુરી અને તેમની ગાથા અનુભવી શકું છું. મારા માટે અહીં આવવું એ મારા ભાઈને મળવા જેવું છે. ૧૯૯૯માં તે ઍક્શનમાં હતો ત્યારે મને અહીં આવવાની તક મળી નહોતી. આ સ્થળને હું યાત્રાધામ તરીકે માનું છું. ૨૦૦૯માં હું અહીં પહેલી વાર આવ્યો હતો અને હવે દર બે વર્ષે અહીં આવું છું. તેના જોડિયા ભાઈ તરીકે હું વારસો આગળ વધારવા માગું છું. પૉઇન્ટ ૪૮૭૫ પર જવાની મારી ઇચ્છા હતી જે વીસમા કારગિલ વિજય દિવસે પૂરી થઈ હતી. એ સ્થળ જોઈને મને લાગ્યું કે આ કેટલી ખતરનાક યુદ્ધભૂમિ છે અને એનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે અહીં લડનારા બે જવાનોને પરમવીર ચક્ર એનાયત થયો હતો.’
ADVERTISEMENT
વિક્રમ બત્રાની શહીદીના સમાચાર વિશે બોલતાં રૂંધાયેલા ગળા સાથે વિશાલે જણાવ્યું હતું કે ‘એ સમયે હું માત્ર ૨૪ વર્ષનો હતો. મેં ત્યાં સુધીમાં ક્યારેય ડેડ-બૉડી જોઈ નહોતી. ડેડ-બૉડી શબ્દથી મને ચીડ છે. વિક્રમ કૉફિનમાં આવ્યો ત્યારે અમારે પાલમપુરની કમાન્ડ હૉસ્પિટલમાં તેની ઓળખ કરવા જવાનું હતું. મારે દસ્તાવેજો પર સહી કરવાની હતી. તમને કોઈ બૉડી ઓળખવાનું કહે, એ મારા માટે ખૂબ જ દુખદ પળ હતી. અંતિમ સંસ્કાર વખતે મારે મારા ભાઈની બૉડી ઊંચકવી હતી, કારણ કે મારે તેને છેલ્લો સ્પર્શ કરવો હતો. મારા પિતાએ અગ્નિ સંસ્કાર કરવા માટે મને કહ્યું. મારામાં એ હિંમત જ નહોતી, પણ મારા પિતા એ કરી શકે એમ નહોતા અને પંડિતજીએ મને એમ કરવા કહ્યું હતું. મને ખ્યાલ આવ્યો કે મારા ભાઈએ જે કર્યું છે એ સર્વોચ્ચ બલિદાન છે અને તેને યોગ્ય સન્માન મળવું જોઈએ. હું એના જેવું કદી કરી શકીશ નહીં.’
વિક્રમ બત્રા અને જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની તેમની ટુકડીએ સૌથી પહેલાં ૧૯૯૯ની ૨૦ જૂને પૉઇન્ટ ૫૧૪૦ કબજે કર્યો હતો. આ પૉઇન્ટ કબજે કર્યા બાદ પૉઇન્ટ ૪૮૭૫ કબજે કરવા માટે તેમને જણાવાયું હતું અને ૧૯૯૯ની ૭ જુલાઈએ વિક્રમ બત્રા અને ટુકડીએ સાહસ દર્શાવતાં એ પૉઇન્ટ પર કબજો મેળવ્યો હતો, પણ એ મેળવતાં વિક્રમ બત્રા શહીદ થયા હતા. કારગિલમાં આ વિસ્તારને હવે બત્રા-ટૉપ તરીકે ઓળખવામાં આવે છે.

