ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિને વીજળીચોરીના નવ કેસમાં બબ્બે વર્ષ એટલે કે કુલ ૧૮ વર્ષની કેદ અને દંડની સજા કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
ઉત્તર પ્રદેશમાં એક વ્યક્તિને વીજળીચોરીના નવ કેસમાં બબ્બે વર્ષ એટલે કે કુલ ૧૮ વર્ષની કેદ અને દંડની સજા કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ વ્યક્તિને રાહત આપીને મુક્ત કરી છે. અદાલતે આ આદેશ આપવા માટે વ્યક્તિગત સ્વતંત્રતા અને મૂળભૂત અધિકારોના રક્ષણની પોતાની ભૂમિકા વિશે જણાવ્યું હતું. અદાલતે એમ પણ કહ્યું હતું કે અમે અહીં આવા લોકોનું રુદન સાંભળવા માટે જ બેઠા છીએ.
કેદની સજા ભોગવી રહેલો અરજીકર્તા ઇકરામ વીજળીચોરીના અલગ-અલગ નવ કેસમાં દોષી પુરવાર થયો હતો. ટ્રાયલ કોર્ટે તમામ કેસમાં ઇલેક્ટ્રિસિટી ઍક્ટની કલમ ૧૩૬ અને આઇપીસીની કલમ ૪૧૧ હેઠળ અલગ-અલગ બબ્બે વર્ષ અને હજાર-હજાર રૂપિયાના દંડની સજા કરી હતી. આ નવ અલગ-અલગ કેસમાં બાકી કેટલાક આરોપીઓ હતા. જોકે આ તમામ કેસમાં માત્ર ઇકરામ કૉમન હતો એટલે તમામ નવ કેસમાં અન્ય આરોપીઓની સાથે તેને પણ બબ્બે વર્ષની સજા અપાઈ હતી.