કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરીને સિમી પરના પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો
સુપ્રીમ કોર્ટ તસવીર સૌજન્ય ગુજરાતી મિડ-ડે
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઍફિડેવિટ દાખલ કરીને સિમી (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા) પરના પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો છે. કેન્દ્ર સરકારે અદાલતમાં જણાવ્યું હતું કે ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપવાના હેતુ ધરાવતા કોઈ પણ સંગઠનને અસ્તિત્વમાં રહેવાની મંજૂરી ન આપી શકાય. સરકારે વધુ જણાવ્યું હતું કે આવાં સંગઠનોને આપણા બિનસાંપ્રદાયિક સમાજમાં સ્થિર થવા દઈ શકાય નહીં. કેન્દ્ર સરકારે સિમી પરના બૅનને પડકારતી એક અરજીના સંબંધમાં આ ઍફિડેવિટ ફાઇલ કરી હતી.
જસ્ટિસ સંજય કિશન કૌલના નેતૃત્વવાળી બેન્ચ દ્વારા ગઈ કાલે આ ઍફિડેવિટ પર વિચાર કરવામાં આવ્યો હતો. સિમીના એક ભૂતપૂર્વ સભ્ય દ્વારા યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ) હેઠળ રચવામાં આવેલા એક પંચ દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે એની ઍફિડેવિટમાં દલીલ કરી છે કે ‘સિમીનાં લક્ષ્યાંકો દેશના કાયદાની વિરુદ્ધ છે. આ સંગઠનનો હેતુ ઇસ્લામના ફેલાવા તેમ જ ‘જેહાદ’ માટે સપોર્ટ મેળવવા માટે સ્ટુડન્ટ્સ અને યુવાનોને એકત્ર કરવાનો છે.’
આ પણ વાંચો : નાની બાળકીઓનું કરી મુસ્લિમ બનાવવાની ઘટનાઓ પર સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી
જેમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે અનેક વર્ષોથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં સિમી જુદાં-જુદાં સંગઠનો દ્વારા સતત ગેરકાયદે પ્રવૃત્તિઓ કરે છે.
૨૭મી સપ્ટેમ્બર ૨૦૦૧થી આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં સિમીના ઍક્ટિવિસ્ટ્સ મળી રહ્યા છે, કાવતરાં રચી રહ્યા છે, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મેળવી રહ્યા છે અને ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મુકાય એવી ઍક્ટિવિટીઝ કરી રહ્યા છે.
આ ઍફિડેવિટમાં વધુ જણાવવામાં આવ્યું છે કે ‘આ સંગઠનનો હેતુ ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપવાનો છે. સિમીના ઍક્ટિવિસ્ટ્સ અન્ય દેશોમાં રહેલા તેમના હૅન્ડલર્સના સંપર્કમાં છે અને તેઓ દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિને ડહોળી શકે છે.’