સુપ્રીમે કહ્યું, પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના ચુકાદાને આધારરૂપ ન ગણવામાં આવે
સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) સુપ્રીમ કોર્ટ નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજીની સુનાવણી માટે સંમત થઈ છે. હાઈ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કે મુસ્લિમ યુવતી તરુણાવસ્થા મેળવ્યા બાદ પોતાની પસંદગીના માણસ સાથે લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ૧૫ વર્ષની યુવતી પર્સનલ લૉ મુજબ પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરી શકે એવા હાઈ કોર્ટના ચુકાદાને અન્ય કેસો માટે આધારરૂપ ગણવા ન જોઈએ.
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ મામલે હરિયાણા સરકારને નોટિસ મોકલી હતી તેમ જ વકીલ રાજશેખર રાવને આ મામલે એમિક્સ ક્યુરી તરીકેની નિમણૂક કરી હતી. કોર્ટે કહ્યું કે અમે આ અરજીઓ પર ધ્યાન આપી રહ્યા છીએ. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ૧૪, ૧૫ અને ૧૬ વર્ષની મુસ્લિમ યુવતીઓનાં લગ્ન થઈ રહ્યાં છે. શું પર્સનલ લૉનો બચાવ થઈ શકે? શું તમે ફોજદારી ગુના સામે રક્ષણ મેળવવા માટે રિવાજ અથવા તો પર્સનલ લૉનો બચાવ તરીકે ઉપયોગ કરી શકો. ઇસ્લામના પર્સનલ લૉ મુજબ યુવતી ૧૫ વર્ષની વયે તરુણાવસ્થામાં પ્રવેશે છે.
હાઈ કોર્ટે ૨૬ વર્ષના મુસ્લિમ યુવકે કરેલી અરજીના આધારે આદેશ આપ્યો હતો પંચકુલાના ચિલ્ડ્રન હોમમાંથી તેની ૧૬ વર્ષની પત્નીને છોડવામાં આવે. પર્સનલ લૉ મુજબ મુસ્લિમ યુવતી ૧૫ વર્ષની થાય ત્યાર બાદ પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કરી શકે છે. અદાલતે જણાવ્યું હતું કે આ પ્રકારના મૅરેજ બાળ વિવાહ વિરોધી કાયદાની કલમ ૧૨ હેઠળ અમાન્ય નહીં હોય.
મુસ્લિમોના નિકાહ સંબંધી નિયમો ઘણાં જ કટક હોય છે. હવે આ કેસને કારણે આ નિયમો વિશે નવેસરથી વિવાદ થવાની શક્યતાઓને સાવ નકારી તો ન જ શકાય.