વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો: મૃતકના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત
ગઈ કાલે ડોડામાં ખીણમાં પડેલી બસના મુસાફરોને બચાવવા માટે ચાલતુ રાહતકાર્ય. તસવીર: પી.ટી.આઇ
ડોડા (પી.ટી.આઇ.) : જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગઈ કાલે મુસાફરોને લઈ જતી બસ ૩૦૦ ફુટ ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા ૩૮ લોકો માર્યા ગયા હતા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘બસ ત્રંગલ-અસાર પાસે બટોટે-કિશ્તવાડ હાઇવે પરથી સરકી ગઈ હતી અને ૩૦૦ ફુટ નીચે પડી હતી. બચાવ-કામગીરી શરૂ કરવામાં આવી છે અને કેટલાક મૃતદેહોને પણ બહાર કાઢવામાં આવ્યા છે.’
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના સંસદસભ્ય કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ‘અકસ્માત-સ્થળેથી જિલ્લા કલેક્ટર હરવિંદર સિંહ તરફથી અપડેટ મળતાં દુઃખ થયું. કમનસીબે ૩૮ લોકોનાં મોત થયાં છે અને ૨૦ ઘાયલ થયા છે. એમાંથી ૬ ઘાયલોની હાલત ગંભીર છે. ઘાયલોને જીએમસી ડોડા અને જીએમસી જમ્મુમાં ખસેડવામાં આવી રહ્યા છે.’
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ એક્સ પર લખ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ-દુર્ઘટના દુઃખદાયક છે. જે પરિવારોએ તેમના નજીકના લોકોને અને પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો વહેલામાં વહેલી તકે સાજા થાય.’