Buddhadeb Bhattacharjee Death: ગુરવારે સવારે કોલકાતામાં આવેલા નિવાસસ્થાને બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન
પ્રતીકાત્મક તસવીર
બંગાળ (West Bengal)ના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (Buddhadeb Bhattacharjee)નું ગુરુવારે અવસાન થયું છે. તેમણે ૮૦ વર્ષની વયે સવારે ૮.૨૦ વાગ્યે કોલકાતા (Kolkata)માં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (Buddhadeb Bhattacharjee Death) લાંબા સમયથી બીમાર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુદ્ધદેવ ભટ્ટાચાર્યના નિધનના સમાચાર મળતા જ રાજકીય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તેમના પુત્ર સુચેતન ભટ્ટાચાર્યએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે.
ADVERTISEMENT
બુદ્ધદેવ ભટ્ટાચાર્ય લાંબા સમયથી ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી)થી પીડિત હતા. તેમને અન્ય બીમારીઓ પણ હતી. શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ગયા મહિને જુલાઈમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે તેમની સારવાર કોલકાતા સ્થિત તેમના નિવાસસ્થાને ચાલી રહી હતી. આ દરમિયાન તેમનું નિધન થયું છે.
બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ ૧ માર્ચ, ૧૯૪૪ના રોજ થયો હતો. તેઓ વર્ષ ૨૦૦૧થી ૨૦૧૧ સુધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હતા. આ પહેલા તેઓ વર્ષ ૧૯૯૯થી વર્ષ ૨૦૦૦ સુધી બંગાળના ડેપ્યુટી સીએમ હતા. ભટ્ટાચાર્યએ કોલકાતાની પ્રખ્યાત પ્રેસિડેન્સી કોલેજમાંથી બંગાળી સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. ભટ્ટાચાર્યએ બંગાળીમાં બી.એ (ઓનર્સ) કર્યું. ત્યારપછી તેઓ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા માર્ક્સવાદી (CPIM)માં જોડાયા. ભટ્ટાચાર્યએ વર્ષ ૨૦૧૫માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું હતું અને વર્ષ ૨૦૧૮માં પાર્ટીના રાજ્ય સચિવાલયનું સભ્યપદ પણ છોડી દીધું હતું.
બંગાળમાં ડાબેરી મોરચાના ૩૪ વર્ષના શાસન દરમિયાન બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સીપીએમના બીજા અને છેલ્લા મુખ્ય પ્રધાન હતા. જ્યારે બુદ્ધદેવ ભટ્ટાચાર્ય રાજ્ય સરકારમાં મંત્રી હતા ત્યારે તેઓ પોતાનો પગાર પાર્ટી ફંડમાં આપતા હતા. પરિવારના ખર્ચને પહોંચી વળવા માટે પાર્ટી જ તેમને પૈસા આપતી હતી. કહેવાય છે કે આજે પણ પાર્ટી બુદ્ધદેવ ભટ્ટાચાર્યના પરિવારનો ખર્ચ ઉઠાવી રહી છે. બુદ્ધદેવ ભટ્ટાચાર્યની પત્ની અને પુત્રી સાર્વજનિક પરિવહન દ્વારા મુસાફરી કરતા હતા. જ્યારે તેઓ સીએમ હતા ત્યારે પણ અને ત્યારે પણ જ્યારે તેઓ સીએમ નહોતા.
મીડિયા રિપોર્ટ્સના અહેવાલો પ્રમાણે, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય પાસે ન તો કોઈ બંગલો છે કે ન તો કોઈ કાર. વર્ષ ૨૦૦૯-૧૦માં ફાઈલ કરાયેલ ચૂંટણી એફિડેવિટમાં તેમણે પોતાની આવક ૧,૦૦,૯૨૦ રુપિયા જાહેર કરી હતી. તે સમયે તેમની પાસે માત્ર ૫,૦૦૦ રૂપિયા રોકડા હતા.
નોંધનીય છે કે, બુદ્ધદેવ ભટ્ટાચાર્યને વર્ષ ૨૦૨૨માં પદ્મ ભૂષણ (Padma Bhushan) એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સીપીઆઈએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, બુદ્ધદેવે કહ્યું છે કે મને પદ્મ ભૂષણ એવોર્ડ વિશે કંઈ ખબર નથી. મને તેના વિશે કોઈએ કહ્યું નથી. જો મને પદ્મ ભૂષણ આપવામાં આવ્યો છે તો હું તેને નકારી રહ્યો છું.