બદાયૂં ડબલ મર્ડર-કેસમાં આરોપીનો ભાઈ સરેન્ડર થયો, જીવ ગુમાવનારાં બાળકોના પપ્પાએ કહ્યું...
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે ભાઈઓના મર્ડર-કેસમાં ઘટનાના બીજા દિવસે આરોપી સાજિદના ભાઈ જાવેદે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે, પણ એ પહેલાં વાઇરલ થયેલા વિડિયોમાં તેણે દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે. આરોપી સાજિદે તેની બાર્બર શૉપની સામે રહેતા વિનોદ નામની વ્યક્તિનાં બે બાળકોની મંગળવારે રાત્રે ઠંડે કલેજે હત્યા કરી હતી અને ભાઈ જાવેદ સાથે નાસી છૂટ્યો હતો. પોલીસ-એન્કાઉન્ટરમાં સાજિદ ઠાર થયો હતો. ઘટના બાદ જાવેદ દિલ્હી નાસી ગયો હતો, પણ આત્મસમર્પણ કરવા તે બરેલી પહોંચ્યો ત્યારે લોકોએ તેને પકડી લીધો હતો. જાવેદે કહ્યું હતું કે ‘ઘટના બાદ લોકો ભારે રોષમાં હતા એથી હું નાસી ગયો હતો. સાજિદ મારો મોટો ભાઈ હતો અને તેણે આ કૃત્યને અંજામ આપ્યો છે. મેં કંઈ જ કર્યું નથી.’
પોલીસે જાવેદની ધરપકડની પુષ્ટિ કરી છે. તેને બદાયૂં લાવવામાં આવી રહ્યો છે. પોલીસે તેને સહ-આરોપી ગણાવ્યો છે. બાળકોના પિતા વિનોદે જાવેદને એન્કાઉન્ટરમાં ઠાર ન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે જો તે મરી જશે તો આ ડબલ મર્ડર પાછળનું અસલી કારણ જાણવા નહીં મળે, મારાં બાળકોને શા માટે મારવામાં આવ્યાં એની તપાસ થવી જોઈએ.