Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નમામિ ગંગે, રાફ્ટિંગ ગંગે

નમામિ ગંગે, રાફ્ટિંગ ગંગે

Published : 23 December, 2024 03:21 PM | Modified : 23 December, 2024 03:23 PM | IST | Dehradun
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની ૨૦ મહિલા જવાનોની ટીમે એકસાથે બે લક્ષ્ય સાધતું મિશન હાથ ધર્યું હતું. ગંગાની સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન ફેલાવવાની સાથે માત્ર ૫૩ દિવસમાં ૨૫૦૦ કિલોમીટરનું રિવર રાફ્ટિંગ કરીને મહિલા સશક્તીકરણની અનોખી મિસાલ રજૂ કરશે

શુક્રવારે બજ બજ ઘાટ પરથી ગંગાયાત્રા આગળ વધી  હતી.

ખાસબાત

શુક્રવારે બજ બજ ઘાટ પરથી ગંગાયાત્રા આગળ વધી હતી.


સીમાની સુરક્ષા કરતા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સને આપણે BSFના નામથી ઓળખીએ છીએ. આ દળની મહિલા જવાનોએ એક જબરદસ્ત પ્રેરણાદાયી નિર્ણય લીધો. સફર એક, લક્ષ્ય અનેક! હમણાં સુધી સીમાંત વિસ્તારોના સંરક્ષણની જવાબદારી નિભાવી રહેલી BSFની મહિલાઓએ દેશના આંતરિક વિકાસ અને સંરક્ષણની પણ જવાબદારી લેવાની એક અનોખી પહેલ પ્રયાસ દ્વારા શરૂ કરી. આ પ્રયાસ તેમણે મુખ્ય બે આશયો સાથે આરંભ્યો છે. એક ગંગાની સ્વચ્છતા અને બીજો મહિલા સશક્તીકરણ. અને એ માટેનો અનોખો પ્રયાસ એટલે All Women Ganga River Rafting Expedition – 2024




BSFની મહિલા જવાનો સપોર્ટિંગ ટીમ સાથે.


શું છે ગંગા રાફ્ટિંગ૨૦૨૪?

મહિલા સશક્તીકરણ અને ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસમાં જેનું સૌથી મોટું માહાત્મ્ય છે એવી ગંગાના સંરક્ષણ અને સ્વચ્છતાના ઉદ્દેશ્ય સાથે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સની મહિલાઓએ જળશક્તિ મંત્રાલયના રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન સાથે સંયોજિત થઈ એક મિશનનો આરંભ કર્યો. ‘ઑલ વિમેન ગંગા રિવર રાફ્ટિંગ એક્સ્પીડિશન – ૨૦૨૪’. આ મિશન અંતર્ગત BSFની મહિલાઓ ૨૫૦૦ કિલોમીટરના ગંગાજીના પ્રવાહમાં રાફ્ટિંગ કરી રહી છે. હવે રિવર-રાફ્ટિંગ એટલે કહોને કે એક આધુનિક તરાપા પર સવાર થઈને ગંગાજીની બેબાક લહેરો પર સફર કરવી જેમાં હલેસાં પણ જાતે મારવાનાં હોય અને ગંગાજીનાં નિરંતર બદલાતા, વળ ખાતા પ્રવાહો સાથે બાથ ભીડીને સતત આગળ વધતા જવાનું હોય. હિંમત અને તાકાત બન્નેનો જોરદાર સમન્વય હોય ત્યારે જ આ શક્ય બને. નર્યું સાહસ જ કહી શકાય. ૫૩ દિવસ સુધી ચાલનારો આ કાર્યક્રમ ઉત્તરાખંડના ગંગોત્રીના ગંગાકિનારેથી શરૂ કરી છેક પશ્ચિમ બંગાળના ગંગાસાગર સુધી જશે એવું નક્કી કરવામાં આવ્યું. આશય એવો કે ગંગાજીનાં દર્શનાર્થે સતત વધતી જતી ભીડ અને એને કારણે ત્યાં થતી ગંદકી અને સ્વચ્છતા વિશે લોકોને જાગૃત કરવા અને ખાસ કરીને સ્ત્રીઓ અને કન્યાઓ સાથે સંવાદ સાધી તેમને સ્ત્રીસશક્તીકરણ વિશે શિક્ષણ આપવું. બીજી નવેમ્બરથી શરૂ થયેલું આ મિશન જેને સામાજિક સદ્કાર્યની સાથે-સાથે પર્યાવરણીય જાગૃતતાનું પણ મિશન કહી શકાય એ હવે તો પૂર્ણતાને આરે આવી પહોંચ્યું છે. આવતી કાલે BSFની બાહોશ મહિલાઓ ગંગાસાગર પાર પહોંચી આ મિશન પૂર્ણ કરશે. ગંગોત્રીથી શરૂ થયેલી આ સફર ગંગાસાગર સુધી પહોંચશે ત્યાં સુધીમાં અનેક ઘાટ, શહેર-નગર વચ્ચે એવાં આવ્યાં જ્યાં આ મહિલાઓએ ગંગાની સ્વચ્છતા જાળવી રાખવાથી લઈને મહિલા સશક્તીકરણનો સંદેશ પહોંચાડ્યો એટલું જ નહીં, આ સદ્ભાવ મિશન સાથે તેમણે અનેક છાત્રાઓને, ગૃહિણીઓને અને શ્રમકાર્ય કરતી મહિલાઓને પણ પ્રેરણા આપી.


પશ્ચિમ બંગાળના સાઉથ 24 પરગણા જિલ્લામાં આવેલા બજ બજ ટાઉનના બજ બજ ઘાટ પર જાગૃતિ કાર્યક્રમો અને પ્રભાત ફેરી (નીચે) કરી રહેલી BSFની મહિલા જવાનો.

ટીમ કઈ રીતે બની?

BSFમાં કાર્યરત હો એટલે સ્વાભાવિક છે તમારે મહિલા હોવા છતાં બૉર્ડર વિસ્તારમાં તહેનાત રહેવું પડે. અને જ્યારે દેશની સીમા પર ચોકીપહેરો કરવાની જવાબદારી માથે હોય ત્યારે મહિલા હોય કે પુરુષ, કોઈને પણ ગાફેલ રહેવું પોસાય નહીં. દિવસ-રાતનું ભાન રાખ્યા વિના, ઊંઘ કે ઉજાગરાની ફિકર કર્યા વિના, ચુસ્ત પાલન સાથે પોતાની ફરજ નિભાવી રહેલી આ મહિલાઓમાંથી મૂળ અલગ-અલગ રાજ્યોથી આવતી અને અલગ-અલગ રાજ્યોમાં ડ્યુટી પર તહેનાત હોય એવી કુલ ૨૦ મહિલાઓની એક ટીમ બનાવવામાં આવી જેમાં કોઈક યુવતી ભારત-બંગલાદેશ બૉર્ડર પર તહેનાત હતી તો કોઈક ભારત-નેપાલ બૉર્ડર પર પોતાની ફરજ બજાવી રહી હતી. કોઈકને ભારત-પાકિસ્તાન બૉર્ડર પરથી બોલાવવામાં આવી તો કોઈક સપોર્ટ-સ્ટાફમાંથી સિલેક્ટ થઈ. આ બધા સાથે BSFની જ બે ઑફિસર મહિલાઓ પણ આ ટીમને ગાઇડ કરવા માટે અને  સપોર્ટ-યુનિટ તરીકે સામેલ થઈ. એ સિવાય બન્યો એક ગંગા રાફ્ટિંગ એક્સ્પીડિશન સપોર્ટ સ્ટાફ અથવા સપોર્ટ ટીમ.

સંદેશ સાથે પ્રેરણા

૨૦ બાહોશ મહિલાઓની આ ટીમ જ્યારે ગંગોત્રીથી નીકળી અને નક્કી થયું કે ગંગા રાફ્ટિંગનો આ કાર્યક્રમ ૫૩ દિવસનો હશે ત્યારે અનેક એવા ઘાટ અને શહેર વચ્ચે આવતાં હતાં જ્યાં એ મહિલાઓએ થોડા સમયનો વિરામ લઈ ત્યાંની સ્ત્રીઓને, વિદ્યાર્થીઓને પોતાના મિશનનું મહત્ત્વ અને કારણ સમજાવવાનાં હતાં.

પશ્ચિમ બંગાળના બાંસેરિયા શહેરમાં સાંસ્કૃતિક અને જાગૃતિ કાર્યક્રમો દરમ્યાન BSFની મહિલા જવાનોએ સ્થાનિક મહિલાઓને સાથ આપ્યો હતો.

એ જ પ્રમાણે કાનપુર, હરિદ્વાર, પટના જેવાં અનેક શહેરો જ્યાંથી ગંગાજી વહે છે એવાં સ્થળોએ આ મહિલાઓએ વિરામ કર્યો. સ્કૂલોમાં તેમના સ્વાગતની અને મિશન ઉદ્દેશ્યની તૈયારીઓ થઈ. નાનાં-નાનાં ભૂલકાંઓથી માંડીને આધેડ વયની મહિલાઓ અને પુરુષો સહિતને આ ટીમના મેમ્બર્સ આ સફર દરમિયાન સતત એ સમજાવતા રહ્યા કે જે ગંગાજીને કિનારે આપણે રહીએ છીએ એ ગંગા નદી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરની દૃષ્ટિએ તો પૂજનીય છે જ પરંતુ આપણા રોજિંદા જીવન સાથે પણ કઈ રીતે સંકળાયેલી છે અને એની સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ધ્યાન આપણે કઈ રીતે રાખવું જોઈએ. સાથે જ BSFની કોસ્ટગાર્ડ કે બૉર્ડરગાર્ડ મહિલાઓએ દીકરીઓને એ પણ પ્રેરણા આપી કે એક છોકરી હોવાને કારણે તેમણે ક્યારેય કોઈથીયે ડરવાની કે દબાવાની જરૂર નથી, આજના સમયમાં મહિલા જે ચાહે એ શિખરે પહોંચી શકવા સક્ષમ છે.

આવા શુભ આશય સાથેની આ રાફ્ટિંગની સફર આવતી કાલે ગંગાસાગર પહોંચશે અને ૨૦ બાહોશ મહિલાઓની એ ટીમ પોતાના ગંગા રિવર રાફ્ટિંગના મિશનને પૂર્ણ કરશે. સામાજિક જાગૃતતાની સાથે પર્યાવરણીય જાગૃતતા ફેલાવવાના આશયથી શરૂ થયેલું આ મિશન હવે જ્યારે પૂર્ણતાને આરે છે ત્યારે એ દરેક મહિલા સહિત BSFને પણ અભિનંદન ઘટે કે દેશની સીમાની સુરક્ષા કરતાં-કરતાં તેમણે દેશ અને સમાજની આંતરિક સુરક્ષા અને સશક્તિકરણ વિશે પણ વિચારી આટલું પ્રેરણાદાયી મિશન હાથ ધર્યું.

ક્યાંથી શરૂ, ક્યાં પૂરી?
ઉત્તરાખંડના ગંગોત્રીમાં ગંગા નદીના કિનારેથી શરૂ થયેલું આ મિશન આવતી કાલે પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં પૂરું થશે.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2024 03:23 PM IST | Dehradun | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK