ભાઈને બહેન છેલ્લી વાર જોઈ શકે એ માટે મૃતદેહને બન્ને દેશોની સરહદ પરની ઝીરો લાઇન પર લાવવામાં આવ્યો
સરહદ પરની ઝીરો લાઇન પર સદ્ગત ભાઈનાં અંતિમ દર્શન કરતી બહેન
બંગલાદેશમાં સત્તાપરિવર્તન બાદ તનાવગ્રસ્ત સ્થિતિ હોવા છતાં ભારતની બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)એ ભારતમાં મૃત્યુ પામેલા એક ભાઈના મૃતદેહનાં અંતિમ દર્શન બંગલાદેશમાં રહેતી તેની બહેનને કરાવ્યાં હતાં.
આ ઘટના પશ્ચિમ બંગાળના નૉર્થ 24 પરગણા જિલ્લાના મુસ્તફાપુર બૉર્ડર આઉટપોસ્ટની છે. બૉર્ડર પર હાઈ અલર્ટ હોવા છતાં BSFએ માનવતાભર્યો અભિગમ અપનાવીને એક પરિવારને મદદ કરી હતી.
ADVERTISEMENT
સરહદ પર આવેલા ગંગુલાઈ ગામના પંચાયતના મેમ્બરે મુસ્તફાપુર આઉટપોસ્ટના કમાન્ડરને જાણકારી આપી હતી કે આ ગામના એક રહેવાસી અબ્દુલ ખાલિદ મંડલનું મૃત્યુ થયું છે. પંચાયતના સભ્યે વિનંતી કરી કે અબ્દુલની બહેન સરહદની પેલે પાર સરદાર બારીપોટા ગામની વતની છે અને ત્યાં રહે છે, તેની બહેનની ઇચ્છા તેના ભાઈને છેલ્લી વાર જોવાની છે.
આ જાણ થતાં BSFના જવાનોની દેખરેખ હેઠળ અબ્દુલના પાર્થિવ દેહને ભારત-બંગલાદેશ સરહદની ઝીરો લાઇન પર લઈ જવામાં આવ્યો હતો. બંગલાદેશના બૉર્ડર ગાર્ડ્સ ઝીરો લાઇન પર અબ્દુલની બહેનને લઈને પહોંચ્યા હતા અને બહેને છેલ્લી વાર તેના ભાઈના પાર્થિવ દેહને જોયો હતો. ભાઈ અને બહેન વચ્ચેની આ છેલ્લી મુલાકાત એકદમ લાગણીશીલ અને આંખમાં આંસુ લાવનારી બની રહી હતી.
ત્યાર બાદ અબ્દુલના દેહને પોતાના ગામમાં પાછો લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
અબ્દુલ મંડલની બહેન લગ્ન પહેલાં ભારતમાં જ રહેતી હતી, પણ તેણે બંગલાદેશી સાથે લગ્ન કર્યાં હોવાથી લગ્ન બાદ પતિ સાથે બંગલાદેશ જતી રહી હતી.