લશ્કર-એ-તય્યબા સાથે જોડાયેલું સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ સોશ્યલ મીડિયા પર ધમકી આપી રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા સામે વધુ એક વખત ભારે ખતરો ઊભો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં સરકારી વિભાગોમાં કામ કરી રહેલા કાશ્મીરી પંડિતોનું લિસ્ટ લીક થઈ ગયું છે અને એ આતંકવાદીઓ સુધી પહોંચી ગયું છે. હવે બીજેપીએ આ મામલે તપાસ કરાવવાની માગણી કરી છે. આ લિસ્ટને આતંકવાદી સંગઠનને સંબંધિત બ્લૉગ પર શૅર કરવામાં આવી રહ્યું છે અને કાશ્મીરી પંડિતોને ધમકી આપવામાં આવી રહી છે. બીજેપીના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ લિસ્ટ લીક થવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
લશ્કર-એ-તય્યબા સાથે જોડાયેલું સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)ના બ્લૉગ લિન્ક પર આ લિસ્ટ શૅર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં એ ૫૬ કાશ્મીરી પંડિતોનાં નામ છે જેઓ વડા પ્રધાન પુનર્વસન પૅકેજ હેઠળ કામ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ટીઆરએફની ધમકીઓ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. દરમ્યાન પોલીસે પોતાના જવાનો માટે નવી સૂચના જારી કરીને તેમને ઑફ ડ્યુટી પણ સાવધાની રાખવા જણાવવામાં આવ્યું છે. ટીઆરએફના બ્લૉગ કાશ્મીર ફાઇટ પર લિસ્ટ શૅર કરીને લખવામાં આવ્યું હતું કે એનાં ગંભીર પરિણામ આવશે. આતંકવાદી સંગઠને જણાવ્યું છે કે કાશ્મીરી પંડિતો માટે છ હજાર ફ્લૅટ્સ બનાવવામાં આવ્યા છે, એ બાબત એના માટે અસહ્ય છે.
નોંધપાત્ર છે કે છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં હિન્દુઓની ટાર્ગેટેડ હત્યાઓ થઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં આવા ચાર કેસ આવી ચૂક્યા છે. કેન્દ્ર સરકારે ખૂબ જ સીક્રેટલી કાશ્મીરી પંડિતોનું લિસ્ટ તૈયાર કર્યું હતું. બીજેપીનું કહેવું છે કે કાશ્મીરમાં પહેલાંથી જ કાશ્મીરી પંડિતો ભયના ઓથાર હેઠળ છે ત્યારે આ લિસ્ટ લીક કરનારા લોકોની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.