વડા પ્રધાન મોદી દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિના ઘરે ગણેશપૂજામાં ગયા અને વિપક્ષના પેટમાં તેલ રેડાયું
ગુરુવારે રાત્રે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના દિલ્હીના ઘરે ગણેશપૂજામાં ગયેલા વડા પ્રધાન
આવી વિચિત્ર પ્રતિક્રિયા આપીને સંજય રાઉતે કહ્યું કે હવે ચંદ્રચૂડસાહેબે શિવસેના પક્ષ અને ચિહ્ન બાબતે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાંથી ખસી જવું જોઈએ ઃ BJPના પ્રવક્તાએ વિરોધ પક્ષોને અરીસો બતાવતાં કહ્યું કે ૨૦૦૯માં મનમોહન સિંહે રાખેલી ઇફ્તાર પાર્ટીમાં એ સમયના ચીફ જસ્ટિસ હાજર રહેલા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના ઘરે ગણપતિની પૂજા કરવા ગયા એને લઈને વિપક્ષોએ સર્વોચ્ચ ન્યાયમૂર્તિ સામે મોરચો ખોલી નાખ્યો છે. વિપક્ષોનું કહેવું છે કે બુધવારે રાતની આ મુલાકાત ખોટો સંદેશ આપી રહી છે.
ADVERTISEMENT
જોકે આ બધામાં સૌથી તીખી અને વિચિત્ર પ્રતિક્રિયા ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે આપી છે. તેમનું કહેવું છે કે ‘આવી મીટિંગ શંકા ઊભી કરે છે. તમે જુઓ, અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે. અત્યાર સુધી વડા પ્રધાન કેટલા લોકોના ઘરે ગયા છે? મારી પાસે માહિતી નથી. દિલ્હીમાં ઘણી જગ્યાએ ગણેશોત્સવ મનાવાઈ રહ્યો છે, પણ વડા પ્રધાન ચીફ જસ્ટિસના ઘરે જ ગયા અને ત્યાં જઈને તેમણે આરતી પણ કરી. બંધારણના રખેવાળ જો આ રીતે પૉલિટિકલ નેતા સાથે મીટિંગ કરે તો એ લોકોના મનમાં શંકા ઊભી કરે છે. ચીફ જસ્ટિસ શિવસેના પક્ષ અને એના ચિહ્ન બાબતે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી કરી રહ્યા છે. આવા સંજોગોમાં શું અમને ન્યાય મળી શકશે? મારું માનવું છે કે આવા કેસમાં ચંદ્રચૂડસાહેબે કેસમાંથી ખસી જવું જોઈએ. આપણે ત્યાં આવી પરંપરા રહી છે.’
સંજય રાઉતની જેમ જ તેમની પાર્ટીની સંસદસભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મુલાકાત વિશે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘તહેવાર પૂરા થઈ ગયા બાદ આશા રાખીએ છે કે ચીફ જસ્ટિસને યોગ્ય લાગશે અને તેઓ થોડા ફ્રી હશે તો મહારાષ્ટ્રમાં બંધારણની કલમ ૧૦નું જે રીતે છડેચોક અવમાન કરવામાં આવ્યું હતું એની સુનાવણી પૂરી કરશે. ઓહ વેઇટ, હવે ચૂંટણી ગમે ત્યારે જાહેર થવાની હોવાથી સુનાવણી મુલતવી રહી શકે છે.’
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મનોજ ઝાએ કહ્યું કે ‘દરેક સંસ્થા સ્વતંત્ર છે એ ફક્ત પેપર પર ન હોવું જોઈએ, એ દેખાવું પણ જોઈએ. આમ તો ગણપતિપૂજા પર્સનલ બાબત છે, પણ તમે ત્યાં કૅમેરા લઈ જાઓ છો જે ખોટો મેસેજ આપે છે.’
જોકે આ ટીકાના જવાબમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા શેહજાદ પૂનાવાલાએ વિરોધ પક્ષને અરીસો બતાવતાં કહ્યું હતું કે ‘૨૦૦૯માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહે રાખેલી ઇફ્તાર પાર્ટીમાં એ વખતના ચીફ જસ્ટિસ કે. જી. બાલકૃષ્ણન હાજર રહ્યા હતા. ગણેશપૂજામાં હાજર રહેવું એ કોઈ ગુનો નથી. ઘણાં ફંક્શનમાં જુડિશ્યરી અને રાજકારણ સાથે જોડાયેલી વ્યક્તિ સ્ટેજ શૅર કરતી હોય છે, પણ વડા પ્રધાન ચીફ જસ્ટિસના ઘરે આવા જ ફંક્શનમાં હાજર રહ્યા તો ઉદ્ધવસેનાના સંસદસભ્યએ તો સર્વોચ્ચ ન્યાયમૂર્તિ અને સુપ્રીમ કોર્ટની સત્ય-નિષ્ઠા સામે જ શંકા ઊભી કરી દીધી. આને માત્ર શરમજનક નહીં, અદાલતનો તિરસ્કાર પણ કહેવાય.’