ચૂંટણીપંચે આપેલી માહિતી મુજબ બીજેપીને ૬૧૪.૭૩ કરોડ, તો કૉન્ગ્રેસને ૯૫.૪૬ કરોડ મળ્યા
તસવીર સૌજન્ય મિડ-ડે ગુજરાતી
નવી દિલ્હી : સત્તારૂઢ બીજેપી અન્ય રાજકીય દળોની તુલનાએ ભંડોળ એકઠું કરવામાં ઘણું આગળ છે. ફરી એક વાર સૌથી વધુ ભંડોળ એકઠું કરવામાં બીજેપી મોખરે રહી છે. ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ છેલ્લાં આઠ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર રહેલી બીજેપીએ વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન ડોનેશન તરીકે ૬૧૪.૫૩ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા, જે કૉન્ગ્રેસ દ્વારા એકઠી કરાયેલી રકમ કરતાં છ ગણા વધુ હતા.
ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ કૉન્ગ્રેસને ડોનેશન તરીકે ૯૫.૪૬ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી સત્તા પર રહેલી મમતા બૅનરજીની ટીએમસીને ૪૩ લાખ રૂપિયાનું ડોનેશન મળ્યું છે. કેરલામાં જેની સરકાર છે એ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-એમ (સીપીઆઇ-એમ)ને ૧૦.૦૫ કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.
ADVERTISEMENT
બીજેપી તેમ જ કૉન્ગ્રેસ બન્નેને ગયા વર્ષે મળેલા ડોનેશનમાં લગભગ ૨૮ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. બીજેપીને મળેલું ડોનેશન ગયા વર્ષના ૪૭૭.૭ કરોડથી ૨૮.૧ ટકા વધીને ૬૧૪.૫ કરોડ રૂપિયા થયું છે, જ્યારે કૉન્ગ્રેસને મળેલું ડોનેશન ૭૪.૭ કરોડ રૂપિયાથી ૨૮.૭ ટકા વધીને ૯૫.૫ કરોડ રૂપિયા થયું હતું.
બીજેપી અને કૉન્ગ્રેસ પછી સૌથી વધુ ડોનેશન મેળવનાર પાર્ટી એનસીપી છે, જેણે ગયા વર્ષના ૨૬.૨ કરોડ રૂપિયા સામે ૧૨૦ ટકાના વધારા સાથે ૫૭.૯ કરોડ રૂપિયા ડોનેશન મેળવ્યું હતું, જ્યારે સીપીઆઇ-એમને ગયા વર્ષના ૧૨.૮ કરોડથી ૨૧.૭ ટકા ઘટીને ૧૦ કરોડ રૂપિયા ડોનેશન મળ્યું હતું.