BJPના ઘાયલ સંસદસભ્ય પ્રતાપ સારંગીએ કહ્યું…
પ્રતાપચંદ્ર સારંગી
ઓડિશામાં બાલાસોરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય પ્રતાપચંદ્ર સારંગીએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ ૧૯ ડિસેમ્બરે સંસદભવનમાં વિપક્ષના નેતા નહીં, પણ એક બાઉન્સર જેવું વર્તન કર્યું હતું.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના અપમાનના મુદ્દે ૧૯ ડિસેમ્બરે સંસદભવનમાં સંસદસભ્યો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ત્યાં આવ્યા હતા અને એ સમયે તેમણે મારેલો કથિત ધક્કો સંસદસભ્ય મુકેશ રાજપૂતને લાગ્યો હતો અને તેઓ પ્રતાપ સારંગી પર પડતાં તેમના માથામાં ઈજા થઈ હતી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૮ ડિસેમ્બરે તેમને રજા આપવામાં આવી હતી. હવે તેમને સારું છે, પણ ડૉક્ટરોએ સાવચેત રહેવા જણાવ્યું છે. માથામાં લેવામાં આવેલા ટાંકા પર હજી રૂઝ આવી નથી.
ADVERTISEMENT
આ ઘટનાને યાદ કરતાં સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સારંગીએ જણાવ્યું હતું કે ‘BJPના સંસદસભ્યો એન્ટ્રી-ગેટ પર શાંતિથી ઊભા હતા અને ડૉ. આંબેડકરના અપમાનના મુદ્દે વિરોધ નોંધાવી રહ્યા હતા. અચાનક રાહુલ ગાંધી તેમના પક્ષના નેતાઓ સાથે ત્યાં આવ્યા હતા અને તેમણે લોકોને આગળ વધવા ધક્કા મારવાની શરૂઆત કરી હતી. તેઓ વિપક્ષના નેતા તરીકે નહીં, પણ બાઉન્સર તરીકે વર્તન કરતા હતા. એક સમયે આ પદ પર માનનીય અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતા રહ્યા હતા. ત્યાં પૂરતી જગ્યા નહીં હોવા છતાં રાહુલ ગાંધીએ મારેલા ધક્કાથી સંસદસભ્ય મુકેશ રાજપૂત મારી પર પડ્યા હતા અને મને માથામાં વાગ્યું હતું.’