જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં શુક્રવારે પણ ધાંધલધમાલ
BJPના વિધાનસભ્યોને બહાર કાઢતા માર્શલો
જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં ગઈ કાલે પણ હંગામો થયા પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્યોને સદનમાંથી માર્શલો દ્વારા બહાર કાઢવામાં આવ્યા બાદ આ વિધાનસભ્યોએ શ્રીનગરમાં આવેલા વિધાનસભા ભવનના પ્રાંગણમાં સમાંતર બેઠકનું આયોજન કર્યું હતું. કલમ 370ની ફરી બહાલી કરવાના મુદ્દે તેમણે વિધાનસભામાં જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. BJPના આશરે એક ડઝન વિધાનસભ્યોને માર્શલોએ બળજબરીથી બહાર કાઢ્યા હતા અને બાકીના વિધાનસભ્યોએ વૉકઆઉટ કર્યું હતું.
ત્યાર બાદ આ વિધાનસભ્યોમાંથી BJPના વિધાનસભ્ય શામ લાલ શર્માએ સ્પીકર તરીકે જવાબદારી સંભાળી હતી અને આ પ્રસ્તાવના વિરોધમાં વિધાનસભ્યોએ જે મંતવ્યો રજૂ કર્યાં એને સાંભળ્યાં હતાં.
ADVERTISEMENT
આ મુદ્દે BJPના વિધાનસભ્ય પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘અમારા વિધાનસભ્યોને માર્શલો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને આ ગુંડાગીરી છે. અમને અનુભવી સ્પીકર પાસેથી ઘણી આશા હતી, પણ સદનમાં અમારી સાથે જે વર્તાવ થયો છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે આનો તીવ્ર નિષેધ કરીએ છીએ. આર્ટિકલ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં લોકો ઘણા સુખી છે અને અહીં શાંતિપૂર્ણ સ્થિતિ છે.’
વિધાનસભાના પ્રાંગણમાં BJPના વિધાનસભ્યો
સદનમાં જે વિધાનસભ્યો પોસ્ટરો લઈને આવ્યા હતા તેમને BJPના વિધાનસભ્ય ચંદર પ્રકાશ ગંગાએ અલગાવવાદી જણાવ્યા હતા.
મોટા ભાગના BJPના વિધાનસભ્યોએ આ પ્રસ્તાવના વિરોધમાં સદનની અંદર હંગામો કર્યો હતો અને આ પ્રસ્તાવ પાછો ખેંચી લેવામાં આવે એવી માગણી કરી હતી.
BJPના વિધાનસભ્યો ફરી સદનમાં ઘૂસે નહીં એની તકેદારી રાખવાનો આદેશ સ્પીકર અબ્દુલ રહીમ રાઠેરે માર્શલોને આદેશ આપ્યો હતો.
બુધવારે નાયબ મુખ્ય પ્રધાન સુરીન્દર ચૌધરીએ આર્ટિકલ 370ને ફરી પ્રસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને વૉઇસ વોટથી મંજૂર કરવામાં આવ્યો હતો. સત્તાધારી નૅશનલ કૉન્ફરન્સના ૪૨ વિધાનસભ્યોએ આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ આપ્યો હતો. અપક્ષ વિધાનસભ્યો સજ્જાદ ગની લોન, ખુર્શીદ અહમદ શેખ, કમ્યુનિસ્ટ પાર્ટીના યુસુફ તારીગામી અને પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટીના ત્રણ વિધાનસભ્યોએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.