ઉત્તર પ્રદેશમાં BJPના વિધાનસભ્યની છડેચોક માગણી
યોગી આદિત્યનાથ, કેશવ પ્રસાદ મૌર્ય
ઉત્તર પ્રદેશની રાજનીતિમાં BJPના વિધાનસભ્ય શ્યામ પ્રકાશે આપેલા નિવેદન બાદ નવી અટકળોએ જોર પકડ્યું છે. હરદોઈ જિલ્લાની ગોપામઉ બેઠકના વિધાનસભ્ય શ્યામ પ્રકાશે કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે બાબા (મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ) દિલ્હી ચાલ્યા જાય અને કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશ સંભાળે. શનિવારે સમ્રાટ અશોકની જયંતીના અવસરે આયોજિત કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં BJPના વિધાનસભ્ય શ્યામ પ્રકાશે આ નિવેદન આપ્યું હતું. તેમના કહેવાનો સીધો મતલબ એ જ હતો કે કેશવ પ્રસાદ મૌર્યને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. તેમના આ નિવેદન પર હાજર BJPના સૌકોઈ નેતાઓ અને કાર્યકર્તાઓએ તાળીઓ વગાડી હતી.
BJPના વિધાનસભ્ય શ્યામ પ્રકાશે કહ્યું હતું કે ‘કેશવ પ્રસાદ મૌર્ય સમાજના નેતા નહીં પરંતુ સમગ્ર પ્રદેશ અને દેશના નેતા છે અને લાખો લોકોના દિલ પર રાજ કરનારા નેતા છે. મારા મનમાં એક વાત આવે છે અને લોકો મંજૂરી આપે તો કહી દઉં. હું તો ઇચ્છું છું કે બાબા દિલ્હી ચાલ્યા જાય અને કેશવ પ્રસાદ મૌર્ય ઉત્તર પ્રદેશ સંભાળે. મારા મનમાં જે આવે છે એ પૂરું થાય છે અને એવો એક દિવસ જરૂર આવશે જ્યારે ઇતિહાસ એનો સાક્ષી બનશે.’
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશમાં આમ પણ કેશવ પ્રસાદ મૌર્યના સમર્થકો સતત તેમને મુખ્ય પ્રધાન બનાવવાની માગણી કરી રહ્યા છે.

