કૅબિનેટ પ્રધાન અને મધ્ય પ્રદેશના ટીકમગઢના સંસદસભ્ય ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીકનું ફરમાન, જે મને પગે પડશે તેનું કોઈ કામ કરવામાં નહીં આવે
ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીક અને તેમણે ઑફિસની બહાર લગાવેલું બોર્ડ.
કેન્દ્રની મોદી સરકારના કૅબિનેટ મિનિસ્ટર અને મધ્ય પ્રદેશમાં ટીકમગઢના સંસદસભ્ય ડૉ. વીરેન્દ્ર કુમાર ખટીકે તેમના સમર્થકોને તેમના પગનો સ્પર્શ કરવાની મનાઈ કરી દીધી છે. તેમની ઑફિસ અને ઘરે નોટિસ મૂકવામાં આવી છે જેમાં સ્પષ્ટપણે આ વાત લખવામાં આવી છે. એક નોટિસમાં લખવામાં આવ્યું છે કે પગે પડવાની સખત મનાઈ છે. બીજી નોટિસમાં ચેતવણીના સૂરમાં લખવામાં આવ્યું છે કે જે લોકો પગે પડશે તેમનાં કોઈ કામ કરવામાં નહીં આવે.
આ બે નોટિસને કારણે લોકોમાં અજબગજબની ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે વરિષ્ઠ રાજકીય નેતાઓના આદર તરીકે પક્ષના સમર્થકો તેમનો ચરણસ્પર્શ કરતા હોય છે. ઘણા નેતાઓ આવી રીતભાતને પ્રોત્સાહન આપતા હોય છે, પણ ડૉ. વીરેન્દ્ર કુમાર આનાથી વિપરીત અભિગમ ધરાવે છે.
ADVERTISEMENT
ડૉ. વીરેન્દ્ર કુમાર તેમની સાદગી માટે જાણીતા છે. તેઓ પોતાના મતવિસ્તારમાં પગપાળા ફરતા હોય છે. પહેલી વાર તેઓ ૧૯૯૬માં સાગર લોકસભા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા અને ૨૦૦૯માં ટીકમગઢ બેઠક આરક્ષિત થતાં ત્યાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં પણ તેમણે આ બેઠક પર જીત મેળવી છે. ૨૦૧૭માં તેમને મોદી સરકારમાં રાજ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં જીત્યા બાદ તેમને કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૨૪માં જીત્યા બાદ ફરી તેમને કૅબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે.