યોગી આદિત્યનાથની મહેનત રંગ લાવી, ૨૦૨૭ માટે જરૂરી એવો બૂસ્ટ BJPને મળી ગયો
ગઈ કાલે ચૂંટણીમાં મળેલા વિજયને ફટાકડા ફોડીને ઊજવતા યોગી આદિત્યનાથ. નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ૯ બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાંથી ૭ બેઠકો પર BJP પ્રણિત NDAને વિજય મળ્યો છે અને સમાજવાદી પાર્ટીએ માત્ર બે બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો છે. આ જીત સાથે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો સામનો કરવાનો બૂસ્ટ મળી ગયો છે. તેમણે એકલે હાથે આ લડત સંભાળી લીધી હતી.
પેટાચૂંટણીમાં લોકોએ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની વાતો પર ભરોસો કરીને તેમને ખોબલે-ખોબલે મત આપ્યા છે, વિકાસના નામે મત આપ્યા છે. સંગઠન અને સરકારનો ખૂબ જ સારો સમન્વય રહ્યો હતો. યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ આ વિજય શક્ય બન્યો છે. એક પણ નેતાએ વિરોધાભાસી નિવેદનો આપ્યાં નહોતાં. યોગી આદિત્યનાથના નારા ‘બટેંગે તો કટેંગે’એ રંગ રાખ્યો હતો. આ નારો મહારાષ્ટ્રમાં પણ ખૂબ ચાલ્યો હતો.
ADVERTISEMENT
જૂન મહિનામાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારે ઉત્તર પ્રદેશમાં BJPને સૌથી મોટો ફટકો પડ્યો હતો. ૨૦૧૯માં ૮૦માંથી ૬૨ લોકસભા બેઠકો મેળવનારી BJPને માત્ર ૩૩ બેઠકો મળી હતી અને સમાજવાદી પાર્ટીએ અપ્રત્યાશિત ૩૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આના પગલે સમાજવાદી પાર્ટી ફુલ ફૉર્મમાં આવી ગઈ હતી, પણ પેટાચૂંટણીનાં પરિણામોએ BJPને ડ્રાઇવિંગ-સીટમાં બેસાડી દીધી છે. માત્ર પાંચ જ મહિનામાં BJPએ બાજી પલટી દીધી છે.
૨૦ નવેમ્બરે યોજાયેલી પેટાચૂંટણીમાં BJP પ્રણિત NDAએ ૨૦૨૨ની સરખામણીમાં એની સ્થિતિ બહેતર કરી હતી, પણ કુંદરકી અને કટેહારી જેવી બેઠકો સમાજવાદી પાર્ટી પાસેથી છીનવી લીધી હતી. આ સિવાય તેમણે વિનિંગ માર્જિન પણ વધાર્યું હતું અને પરાજયનું માર્જિન ઘટાડ્યું હતું.
જે નવ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી એમાં ૨૦૨૨માં NDAને માત્ર ૪ બેઠકો મળી હતી. BJPને ગાઝિયાબાદ, ખૈર અને ફુલપુર બેઠક અને માંજવાન બેઠક NDAના સાથી પક્ષ નિશાદ પાર્ટીને મળી હતી. જોકે હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં BJP પ્રણિત NDAએ ઉપરોક્ત ચાર બેઠકો જાળવી રાખી હતી અને વધારાની ત્રણ બેઠકો જીતી લીધી હતી. BJPએ ગાઝિયાબાદ, ખૈર, ફુલપુર બેઠક જાળવીને કુંદરકી, માંજવાન અને કટેહારી બેઠક છીનવીને વિજય મેળવ્યો હતો. સાથી પક્ષ રાષ્ટ્રીય લોક દળે મીરાપુર બેઠક જાળવી રાખી છે. સમાજવાદી પાર્ટીને માત્ર સિસામઉ અને કરહલ એમ બે બેઠક પર જીત મળી છે. આ તેમની ગઢ સમાન બેઠકો છે.
BJPના રામવીર સિંહે કુંદરકી, સંજીવ શર્માએ ગાઝિયાબાદ, સુરેન્દર દિલેરે ખૈર, દીપક પટેલે ફુલપુર, ધર્મરાજ નિષાદે કટેહારી અને સુચીસ્મિતા મૌર્યએ માંજવાન બેઠક જીતી લીધી હતી અને રાષ્ટ્રીય લોક દળના મિથિલેશ પાલે મીરાપુર બેઠક પર જીત મેળવી હતી. સમાજવાદી પાર્ટીના તેજ પ્રતાપ સિંહે કરહલ અને નસીમ સોલંકીએ સિસામઉ બેઠક પર જીત મેળવી હતી.