યમુના નદીમાં સ્નાન કર્યા બાદ દિલ્હી BJPના પ્રમુખને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
પ્રદૂષિત યમુના નદી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હી યુનિટના પ્રેસિડન્ટ વીરેન્દ્ર સચદેવાએ પ્રદૂષિત યમુના નદીમાં સ્નાન કર્યાના બે દિવસ બાદ તેમની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સચદેવાએ ચામડી પર ચાઠાં પડવાની અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું જણાવ્યું હતું.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને ૨૦૨૫ સુધીમાં યમુના નદી સાફ કરી દેવામાં આવશે એવું વચન આપ્યું હતું, પણ યમુના નદીમાં હાલમાં ભારે પ્રદૂષિત પાણી છે. આવા પાણીમાં ગુરુવારે સચદેવાએ યમુના નદીમાં સ્નાન કર્યું હતું અને ગંદકી માટે કેજરીવાલની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે યમુના નદી સાફ કરવા માટેનાં નાણાંનો ભ્રષ્ટાચાર થયો છે અને એની લૂંટ ચલાવવામાં આવી છે.
ADVERTISEMENT
ચામડી પર ચાઠાં પડ્યાં હોવાથી તેમણે ડૉક્ટરને બતાવ્યું હતું. તેમણે ત્રણ દિવસની દવા લખી આપી હતી, પણ શ્વાસ લેવામાં પણ તકલીફ પડતાં તેમને રામ મનોહર લોહિયા નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. સચદેવાએ કેજરીવાલને પણ યમુના નદીમાં ડૂબકી લગાવવાનો પડકાર ફેંક્યો હતો.